રાજસ્થાનના કોટામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ યુવાન મિત્રોના મોત નીપજ્યા છે. મળતી માહિતી મુજબ ફૉર્ચ્યુનર કાર અચાનક કાબૂ બહાર જતા હાઈવે પરથી અંદાજે 30 ફૂટ નીચે પટકાઈ. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય મિત્રોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે.

લેહ-લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં ફરવા ગયા હતા મિત્રો

આ ઘટના કોટા જિલ્લાના કૈથૂન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાલાપુરા અને કરાડિયા ગામ વચ્ચે બુધવારે સવારે આશરે 10.30 વાગ્યે બની હતી. પોલીસના જણાવ્યા મુજબ, કુલ 10 મિત્રનું ગ્રુપ 26 ફેબ્રુઆરીએ પ્રવાસ માટે નીકળ્યું હતું. તેઓ લેહ-લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં ફર્યા બાદ બે કારમાં પુણે પરત ફરી રહ્યા હતા. અકસ્માત વખતે ડ્રાઈવરને ઝોકું આવી જતા કાર પહેલા ડિવાઈડર સાથે અથડાઈ અને પછી નિયંત્રણ ગુમાવી હાઈવેની બાજુમાં નીચે ખાબકી. પાછળની કારમાં બેઠેલા અન્ય 7 મિત્ર તરત જ મદદ માટે દોડી આવ્યા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે ત્રણેય યુવકોને બચાવી શકાયા નહોતા.

પોલીસે મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા

મૃતકોની ઓળખ સિદ્ધાંત (21), કુણાલ (25) અને મયુરેવા (23) તરીકે થઈ છે, જે ત્રણેય પુણેના રહેવાસી હતા. અકસ્માત બાદ તેમને તાત્કાલિક કૈથૂન CHC હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. પોલીસે મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પરિવારજનોના આગમન બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ ઘટનાથી મિત્રો અને પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

આ પણ વાંચો : Union Cabinet Decisions : કેન્દ્ર સરકારે 'BHAVYA' અને SHP ડેવલપમેન્ટ યોજનાને આપી મંજૂરી, જાણો શું થશે લાભ