જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે બપોરે આતંકીઓએ સીઆરપીએફના નાકા પર હુમલો કર્યો હતો. બાઈક પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ સુરક્ષાકર્મીઓ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું અને ત્યારબાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ હુમલામાં સીઆરપીએફના 3 જવાન ઘાયલ થયા છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં માત્ર 15 સેકન્ડમાં 30થી વધુ ગોળીઓ ચલાવવામાં આવી હોવાનું જોવા મળે છે.
ડ્યુટી પર તૈનાત જવાનો પર અચાનક ફાયરિંગ
સીઆરપીએફના જણાવ્યા મુજબ, બુધવારે બપોરે આશરે 2:15 વાગ્યે કુલગામ જિલ્લામાં નાકા પર તૈનાત સુરક્ષાકર્મીઓ પર બાઈકસવાર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર શરૂ કર્યો હતો. હુમલો અચાનક થતાં જવાનોને સંભાળવાનો મોકો મળ્યો નહોતો. ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.
સીસીટીવીમાં ગોળીબારની ઘટના કેદ
સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં સીઆરપીએફના જવાનો ફરજ પર તૈનાત જોવા મળે છે. આ દરમિયાન અચાનક ગોળીબાર શરૂ થાય છે. ફૂટેજમાં હુમલાખોરો દેખાતા નથી, પરંતુ ગોળીબાર અને જવાનોની હિલચાલ સ્પષ્ટ જોવા મળે છે. માત્ર 15 સેકન્ડમાં 30થી વધુ ગોળીઓ ચલાવવામાં આવી હતી.
ત્રણેય ઘાયલ જવાનોની ઓળખ થઈ
ઘાયલ જવાનોને સારવાર માટે અનંતનાગ જિલ્લાના જીએમસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની ઓળખ કોન્સ્ટેબલ રાકેશ દાસ, કોન્સ્ટેબલ સંતોષ ચંદ્રુ અને હેડ કોન્સ્ટેબલ સોમવીર સિંહ તરીકે થઈ છે.
સંતોષ ચંદ્રુની હાલત ગંભીર
રાકેશ દાસ આસામના રહેવાસી છે. તેમના પગમાં ગોળી વાગી છે અને હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. સંતોષ ચંદ્રુ પશ્ચિમ બંગાળના રહેવાસી છે. તેમના પેટ અને કરોડરજ્જુમાં ગોળી વાગી છે. તેમને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમની હાલત ગંભીર હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું છે. સોમવીર સિંહ મધ્યપ્રદેશના રહેવાસી છે. તેમના ડાબા હાથમાં ગોળી વાગી છે અને હાલત સ્થિર છે.
વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન
હુમલા બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. શરૂઆતમાં 2 જવાન ઘાયલ થયાના અહેવાલ હતા, પરંતુ બાદમાં સત્તાવાર માહિતીમાં 3 જવાન ઘાયલ થયાની પુષ્ટિ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Kolkata એરપોર્ટ પર હાઇજેકનું એલર્ટ, એર ઇન્ડિયાના પાયલોટે મોકલ્યો સંદેશ