લખીમપુર ખીરીના સદર કોતવાલી વિસ્તારમાં સોમવારે સવારે ચિલ્ડ્રન એકેડમી સ્કૂલમાં મોટી ઘટના બની હતી, જેના કારણે આખા શહેરમાં ચકચાર મચી ગઈ છે. સવારે લગભગ 11:30 વાગ્યે સ્કૂલમાં ગોળીબાર થયો હતો. એક યુવક હથિયાર લઇને વર્ગખંડની અંદર પહોંચ્યો અને ભણાવી રહેલી શિક્ષિકા પર ગોળીબાર કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. એ પછી હુમલો કરનારે પોતાને પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. ગોળીબારની આ ઘટના સમયે વર્ગખંડમાં બાળકો હાજર હતા.

સ્કૂલની બહાર લોકોની ભીડ એકઠી થઈ

ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ તાત્કાલિક પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્કૂલની બહાર લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. વાલીઓ પણ સ્કૂલ પહોંચ્યા હતા. પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળે તપાસ ચાલી રહી છે. SP ડૉ. ખ્યાતિ ગર્ગ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફોરેન્સિક ટીમને પણ ત્યાં બોલાવવામાં આવી હતી.

સ્કૂલના બીજા માળે બની ઘટના

સ્કૂલના બીજા માળે શિક્ષિકા નિશાત ફાતિમા બાળકોને ભણાવી રહ્યાં હતાં. ત્યારે સઉદ અંસારી નામનો વ્યક્તિ હથિયાર લઈને સ્કૂલમાં પહોંચ્યો હતો. તે ફાતિમાનો હાથ પકડીને તેમને બહાર વરંડામાં લઈ ગયો હતો. બંને વચ્ચે કોઇ વાતને લઇને ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ દરમિયાન સઉદે ફાતિમા પર સતત 3 ગોળીઓ ચલાવી હતી. ગોળી વાગતાં ફાતિમા જમીન પર પડી ગયાં હતાં. ગોળીબારનો અવાજ સાંભળતા જ સ્કૂલમાં અફરાતફરી મચી ગઈ હતી. બાળકો બૂમો પાડવા લાગ્યા હતા. આ દરમિયાન સઉદે પોતાને પણ ગોળી મારી લીધી હતી. બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો

સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બીજા માળના તમામ બાળકોને એક ક્લાસરૂમમાં સુરક્ષિત કર્યા હતા. ત્યારબાદ આખી બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી હતી. પુરાવા એકઠા કરવા માટે ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

હાલ સ્કૂલમાં મોટી સંખ્યામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈને પણ સ્કૂલની અંદર કે બહાર આવવા-જવા દેવામાં આવી રહ્યા નથી.

CO સિટી વિવેક તિવારી અને એડિશનલ SP પવન ગૌતમ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેઓ સ્કૂલ સ્ટાફની પૂછપરછ કરી રહ્યા છે અને ઘટનાની માહિતી મેળવી રહ્યા છે. આ મામલો સદર કોતવાલી વિસ્તારના શાહપુરા કોઠી વિસ્તારમાં આવેલા કલેક્શનર કચેરીની સામેના ચિલ્ડ્રન અકેડમી સ્કૂલનો છે.

પ્રાથમિક તપાસમાં આ મામલો પ્રેમ સંબંધ સાથે જોડાયેલો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.