ઉત્તર પ્રદેશના મેરઠને હચમચાવી દેનારા ચર્ચિત બ્લુ ડ્રમ હત્યાકાંડમાં કોર્ટે આખરે મોટો ચુકાદો સંભળાવ્યો છે. આ કેસમાં દોષિતોની સજા નક્કી કરવામાં આવી છે. મુખ્ય આરોપી મુસકાન રસ્તોગીને આજીવન કેદ અને તેના સહઆરોપી પતિ સાહિલને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. માર્ચ 2025માં બનેલા આ ભયાનક હત્યાકાંડમાં સૌરભ રાજપૂત નામના યુવકની હત્યા કરીને તેના મૃતદેહને વાદળી રંગના પ્લાસ્ટિકના ડ્રમમાં છુપાવી દેવામાં આવ્યો હતો.
કોર્ટના આ ચુકાદા બાદ સોશિયલ મીડિયા અને કાનૂની ક્ષેત્રમાં મહિલાઓને ફાંસીની સજા આપવાના મુદ્દે ફરી ચર્ચા શરૂ થઈ છે. ભારતના કાનૂની ઇતિહાસમાં છેલ્લે કઈ મહિલાને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી અને દેશની આઝાદી પછી છેલ્લે કઈ મહિલાને ખરેખર ફાંસી આપવામાં આવી હતી, તેવા સવાલો ઊભા થયા છે.
છેલ્લે કઈ મહિલાને ફાંસી આપવામાં આવી હતી?
ભારતમાં ખરેખર ફાંસી આપવામાં આવી હોવાની વાત કરીએ તો, આઝાદ ભારતના ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર એક જ મહિલાને ફાંસી આપવામાં આવી હોવાનો આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. આ મહિલાનું નામ રતનબાઈ જૈન હતું. તેમને ફેબ્રુઆરી 1955માં દિલ્હીની તિહાડ જેલમાં ફાંસી આપવામાં આવી હતી.
રતનબાઈ જૈન ત્રણ નાની બાળકીઓની નિર્દયતાથી હત્યા કરવાના ગુનામાં દોષિત ઠર્યાં હતાં. આ કેસમાં કોર્ટે તેમને મૃત્યુદંડની સજા ફટકારી હતી. અહેવાલ મુજબ, 1955 પછી આજ સુધી ભારતમાં બીજી કોઈ મહિલાને ખરેખર ફાંસી આપવામાં આવી નથી.
ફાંસીની સજા મેળવનારી દેશની ચર્ચિત મહિલા
1955 પછી કોઈ મહિલાને ફાંસી આપવામાં આવી ન હોવા છતાં, વર્ષ 2010માં ઉત્તર પ્રદેશની એક કોર્ટે શબનમ અલી નામની મહિલાને ફાંસીની સજા સંભળાવી હતી. આ કેસ દેશભરમાં ચર્ચામાં રહ્યો હતો.
અમરોહાના બાવનખેડી ગામની રહેવાસી શબનમે એપ્રિલ 2008માં પોતાના પ્રેમી સલીમ સાથે મળીને પોતાના જ પરિવારના 7 સભ્યોની કુહાડીથી હત્યા કરી હતી.
મૃતકોમાં શબનમનાં માતા-પિતા, ભાઈ-ભાભી અને 10 મહિનાનું માસૂમ ભત્રીજું પણ સામેલ હતું. આ સામૂહિક હત્યાકાંડમાં સુપ્રીમ કોર્ટે પણ શબનમની ફાંસીની સજા યથાવત રાખી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિએ તેની દયા અરજી પણ ફગાવી દીધી હતી.
અહેવાલ મુજબ, શબનમને ફાંસી આપવા માટે મથુરાની જેલમાં વહીવટી તૈયારીઓ પણ કરવામાં આવી હતી. જોકે, કાનૂની અરજીઓ અને આગળની કાર્યવાહી વચ્ચે તેની ફાંસીની સજા અમલમાં આવી નથી.
આ મહિલાઓની દયા અરજીઓ પણ રાષ્ટ્રપતિએ ફગાવી હતી
શબનમ ઉપરાંત ભારતના કાનૂની ઇતિહાસમાં કેટલીક અન્ય મહિલાઓને પણ ગંભીર ગુનાઓમાં નીચલી અદાલતોથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી.
હરિયાણાની સોનિયા અને તેના પતિ સંજીવને વર્ષ 2001માં પોતાના જ પરિવારના 8 સભ્યોની નિર્દયતાથી હત્યા કરવાના ગુનામાં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. વર્ષ 2013માં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સોનિયાની દયા અરજી ફગાવી દીધી હતી.
તેવી જ રીતે, કોલ્હાપુરની સગી બહેનો રેણુકા શિંદે અને સીમા ગાવિત પણ ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં ચર્ચિત ગુનેગાર રહી છે. તેમણે પૈસા મેળવવા માટે અનેક નિર્દોષ બાળકોનું અપહરણ કરીને તેમની હત્યા કરી હતી.
સુપ્રીમ કોર્ટે બંને બહેનોને ફાંસીની સજા સંભળાવી હતી. જોકે, કાનૂની પ્રક્રિયામાં થયેલા વિલંબના આધારે બાદમાં બોમ્બે હાઈકોર્ટે તેમની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી.