ભારતીય શૂટિંગ જગત માટે આ અઠવાડિયું અત્યંત દુઃખદ સાબિત થયું છે. દેશના પ્રખ્યાત શૂટર અને કોચ જસપાલ રાણાના નિધનના સમાચારની શાહી હજુ સુકાઈ પણ નહોતી ત્યાં તેમના પરિવારમાંથી વધુ એક કરુણ સમાચાર સામે આવ્યા છે. જસપાલ રાણાની માતા શ્યામા દેવી રાણાનું પણ અવસાન થયું છે. પુત્રના અકાળ અવસાનનો આઘાત આ 78 વર્ષીય માતા સહન કરી શક્યા નહીં અને આખરે તેમણે પણ દિલ્હીની આર્મી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
પરિવાર પર બેવડો આઘાત
થોડા દિવસો પહેલા જ 12 જૂનના રોજ જસપાલ રાણાનું નિધન થયું હતું, જે દેશ માટે એક મોટી ખોટ હતી. દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા નારાયણ સિંહ રાણાના પત્ની શ્યામા દેવી છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. પુત્ર જસપાલના નિધનના સમાચાર મળ્યા બાદ તેમની માનસિક અને શારીરિક સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી, જેનાથી તેઓ ઉગરી શક્યા નહીં અને આજે સમગ્ર પરિવારે તેમની છત્રછાયા ગુમાવી છે.
જસપાલ રાણાનું શૂટિંગમાં યોગદાન
ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના ચિલામુ ગામના વતની જસપાલ રાણા ભારતીય પિસ્તોલ શૂટર્સ માટે એક પ્રેરણાદાયક કોચ અને દિગ્ગજ ખેલાડી હતા. માત્ર 18 વર્ષની નાની વયે વિશ્વ રેકોર્ડ બનાવીને તેમણે વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું હતું. કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં અનેક મેડલ જીતીને તેમણે દેશને ગૌરવ અપાવ્યું હતું. મ્યુનિકમાં યોજાયેલા ISSF વર્લ્ડ કપમાંથી પરત ફર્યા બાદ તેમને છાતીમાં દુખાવો થયો હતો અને હોસ્પિટલમાં તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. જોકે, સ્વસ્થ થવાના પ્રયાસો વચ્ચે તેમનું નિધન સમગ્ર રમત જગત માટે આઘાતજનક હતું.
શોકની લહેર
આજના સમાચારથી રાણા પરિવારમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. રમતગમતના ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક લોકો અને તેમના પ્રશંસકોએ આ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. એક જ અઠવાડિયામાં મા-દીકરાને ગુમાવનાર પરિવાર માટે આ આઘાત ક્યારેય ન ભરાય તેવી ખોટ છે. ઈશ્વર આ શોકગ્રસ્ત પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થનાઓ થઈ રહી છે. ભારતીય શૂટિંગ જગત હંમેશા જસપાલ રાણાના યોગદાનને યાદ રાખશે.
આ પણ વાંચોઃ Tech Industryમાં મંદીનું વાવાઝોડું, 56,000 ભારતીય પ્રોફેશનલ્સ નોકરીની શોધમાં