કેરળ હાઈકોર્ટમાં કેન્સર જેવી ગંભીર બિમારીઓની પેટન્ટ ધરાવતી દવાઓની કિંમત ઘટાડવાની માંગ કરતી અરજી પર સુનાવણી ચાલી રહી છે. બ્રેસ્ટ કેન્સરની 2 મહત્વની દવાઓ રિબોસિક્લિબ (Ribociclib) અને એબેમાસિક્લિબ (Abemaciclib)ની મોંઘી કિંમતને પગલે દર્દીઓ માટે સસ્તા જેનરિક વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

અરજીમાં માગ કરવામાં આવી છે કે ભારતમાં કેન્સરની મોંઘી દવાઓ સસ્તી કરવામાં આવે અને લાખો દર્દીઓ સુધી તેમની પહોંચ વધારવામાં આવે. જો કે આ કેસમાં મોટી દવા કંપનીઓએ સસ્તી જેનરિક દવાઓના પક્ષમાં દાખલ કરવામાં આવેલી અરજીનો વિરોધ કર્યો છે. 

ભારતમાં વેચાણનો ખૂબ ઓછું થાય છે

દવા કંપનીઓએ રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ નોવાર્ટિસે 2020થી 2025 દરમિયાન દુનિયાભરમાં રિબોસિક્લિબનું આશરે 12.7 અબજ ડોલરનું વેચાણ કર્યું હતું. ભારતમાં આ જ સમયગાળા દરમિયાન તેનું વેચાણ આશરે 5.57 કરોડ ડોલર રહ્યું હતું, જે દુનિયાભરના વેચાણના લગભગ 0.4% જેટલું છે.

એ જ રીતે એલી લિલીની એબેમાસિક્લિબની 2020થી 2025 દરમિયાન વૈશ્વિક વેચાણ લગભગ 19.6 અબજ ડોલર રહ્યું હતું, જ્યારે ભારતમાં તેનું વેચાણ આશરે 3.15 કરોડ ડોલર હતું. આ વૈશ્વિક વેચાણના લગભગ 0.16% જેટલું છે.

ભારત સાથે જોડાયેલા વેચાણના આંકડા માર્કેટ રિસર્ચ કંપની IPSOS પાસેથી લેવામાં આવ્યા છે, જ્યારે વૈશ્વિક વેચાણના આંકડા કંપનીઓના અહેવાલમાંથી લેવામાં આવ્યા છે.

કંપનીઓએ શું દલીલ કરી અને વાસ્તવિકતા શું છે?

ટફ્ટ્સ સેન્ટર (Tufts Center) ના અહેવાલ પર સવાલ

દવા કંપનીઓએ પોતાના જવાબમાં દલીલ કરી છે કે તેમણે આ બંને દવાઓ વિકસાવવા માટે મોટી રકમ ખર્ચી છે, જોકે તેમણે એની પાછળ થયેલા ચોક્કસ ખર્ચની માહિતી કોર્ટમાં આપી નથી.

ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના સહયોગથી ચાલતા ટફ્ટ્સ સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડ્રગ ડેવલપમેન્ટના એક અભ્યાસ મુજબ નવી દવાને બજારમાં લાવવા માટે સરેરાશ 2.6 અબજ ડોલરનો ખર્ચ થાય છે.

વાસ્તવિકતા એ છે કે આ અભ્યાસની લાંબા સમયથી ટીકા થતી આવી છે. આંકડા વધારીને બતાવીને દવાઓની ઊંચી કિંમતને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવે છે એવી દલીલ કરવામાં આવી છે. જો આ આંકડાને સાચો માનીએ તો પણ બંને કંપનીઓ પોતાના ખર્ચ કરતાં ઘણી ગણી વધુ રકમ પહેલેથી જ કમાઈ ચૂકી છે.

ક્લિનિકલ ટ્રાયલનો વાસ્તવિક ખર્ચ

નોલેજ ઇકોલોજી ઇન્ટરનેશનલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જેમી લવના સોગંદનામા મુજબ નોવાર્ટિસે રિબોસિક્લિબના ટ્રાયલ પર 49.45 કરોડ ડોલર અને લિલીએ એબેમાસિક્લિબના ટ્રાયલ પર 46.9 કરોડ ડોલરથી વધુ ખર્ચ કર્યો હતો.

અરજદારો તરફથી રજૂ કરવામાં આવેલી તાજેતરની ગણતરી મુજબ રિબોસિક્લિબના ક્લિનિકલ ટ્રાયલનો ખર્ચ આશરે 66.75 કરોડ ડોલર અને એબેમાસિક્લિબનો ખર્ચ 63.3 કરોડ ડોલરથી વધુ આવે છે.

દવા વેચીને કંપની કેટલી કમાણી કરે છે?

યેલ યુનિવર્સિટીની દવાની કિંમત અંગેના નિષ્ણાત ડૉ. મેલિસા બાર્બરની ગણતરીનો પણ આ મામલામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ગણતરી મુજબ 200 mg રિબોસિક્લિબ ટેબલેટ બનાવવાનો ખર્ચ આશરે 0.85 ડોલર એટલે કે લગભગ 81 રૂપિયા હોઈ શકે છે, જો APIનું ઉત્પાદન કંપની પોતે કરે. જો API બહારથી મંગાવવામાં આવે તો આ ખર્ચ આશરે 1.29 ડોલર એટલે કે લગભગ 123 રૂપિયા થઈ શકે છે. સારવાર મુજબ દરરોજ 3 ટેબલેટ અને 21 દિવસ માટે લેવાની હોય તો દર મહિનાનો ખર્ચ 5,100થી 7,750 રૂપિયા વચ્ચે આવી શકે છે. તેની સામે રિબોસિક્લિબ બનાવતી કંપની નોવાર્ટિસ ભારતમાં દર્દીઓ પાસેથી દર મહિને 78,400 રૂપિયા વસૂલે છે.

97% સુધી ઘટી શકે છે કિંમત

આ મામલામાં એ પણ જણાવાયું છે કે ભારતમાં જેનરિક દવાઓનું ઉત્પાદન શરૂ થયા બાદ ઘણી મોંઘી દવાઓની કિંમતમાં મોટો ઘટાડો થયો છે. બાયરની પેટન્ટવાળી કિડની અને લિવર કેન્સરની દવા Nexavarની કિંમત દર મહિને આશરે 5,500 ડોલર હતી, જ્યારે Natcoની જેનરિક દવાની કિંમત આશરે 175 ડોલર હોવાનું જણાવાયું હતું.

હેપેટાઇટિસ Cની સારવારમાં ઉપયોગમાં લેવાતી sofosbuvir અને dataclavir દવાઓ માટે અમેરિકામાં આશરે 1.5 લાખ ડોલર સુધીનો ખર્ચ થતો હોવાનું જણાવાયું હતું, જ્યારે ભારતમાં જેનરિક ઉત્પાદન બાદ આ દવાઓ લગભગ 200થી 350 ડોલરમાં ઉપલબ્ધ થઈ હતી.

આ કેસ શા માટે મહત્વનો છે?

કેરળ હાઈકોર્ટમાં ચાલી રહેલો આ કેસ કેન્સર જેવી ગંભીર બીમારીઓ માટેની મોંઘી પેટન્ટવાળી દવાઓ અને તેમના સસ્તા જેનરિક વિકલ્પોની ઉપલબ્ધતા સાથે જોડાયેલો છે.

અરજીમાં સરકારને દવાઓની કિંમત ઘટાડવા માટે હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી છે, જ્યારે સંબંધિત દવા કંપનીઓ પોતાના સંશોધન અને વિકાસના ખર્ચનો ઉલ્લેખ કરીને તેનો વિરોધ કરી રહી છે.