બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ ગુરુગ્રામ સ્થિત મેદાંતા હોસ્પિટલ પહોંચ્યા અને સોનમ વાંગચુક સાથે મુલાકાત કરી. બંને મંત્રીઓએ તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી અને ચાલી રહેલા આંદોલનથી ઉભા થયેલા ગતિરોધને દૂર કરવા માટે ચર્ચા કરી હોવાની માહિતી મળી છે.

વાંગચુકને મંગળવારે મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા 

સોનમ વાંગચુકને મંગળવારે રાત્રે દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ સફદરજંગ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરીને વધુ સારી સારવાર માટે મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની પત્ની ગીતાંજલિ આંગ્મોએ વાંગચુકની તબિયતને ધ્યાનમાં રાખીને તેમને ઉચ્ચ સ્તરની સારવાર મળે તેવી માંગ કરી હતી. કોર્ટે આ માંગને સ્વીકારી હતી અને ત્યારબાદ તેમને ગુરુગ્રામની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

https://twitter.com/ANI/status/2079741942850896353

વાંગચુક 28 જૂનથી અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ પર

વાંગચુક 28 જૂનથી અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ પર છે. તેઓ NEET પેપર લીક અને પરીક્ષાઓમાં થયેલી અનિયમિતતાઓ સામે વિદ્યાર્થીઓના હિતમાં આંદોલન ચલાવી રહ્યા છે. તેમની મુખ્ય માંગોમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે જવાબદારી નક્કી કરવાની માંગ સામેલ છે.

https://twitter.com/ani_digital/status/2079650059332067364

વાંગચુકની તબિયત અંગે સતત ચિંતા 

આ આંદોલન છેલ્લા ઘણા અઠવાડિયાથી જંતર-મંતર ખાતે ચાલી રહ્યું છે અને દેશભરના વિદ્યાર્થીઓ તથા વિવિધ સામાજિક સંગઠનોનું તેને સમર્થન મળી રહ્યું છે. આ દરમિયાન વાંગચુકની તબિયત અંગે સતત ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. સફદરજંગ હોસ્પિટલના તબીબોએ તેમના આરોગ્ય પર નજર રાખી હતી, પરંતુ પરિવાર અને સમર્થકોએ વધુ વિશેષ સારવારની માંગ ઉઠાવી હતી.

સરકાર તરફથી જે.પી. નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહની સીધી મુલાકાતને મહત્વપૂર્ણ 

સરકાર તરફથી જે.પી. નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહની સીધી મુલાકાતને મહત્વપૂર્ણ રાજકીય અને માનવીય પહેલ તરીકે જોવામાં આવી રહી છે. સૂત્રો મુજબ, બંને મંત્રીઓએ વાંગચુકને તેમની માંગો અંગે સરકાર સાથે સંવાદ ચાલુ રાખવા અપીલ કરી હતી. જોકે, બેઠક પછી તરત કોઈ સત્તાવાર સમજૂતી જાહેર કરવામાં આવી નથી.

આગામી દિવસોમાં સરકાર અને સોનમ વાંગચુક વચ્ચે વધુ બેઠકો યોજાઈ શકે

આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે CJP અને અન્ય સંગઠનો દ્વારા આંદોલનને વધુ તેજ બનાવવાની તૈયારી ચાલી રહી છે. રાજકીય નિરીક્ષકો માને છે કે સરકાર હવે આ મુદ્દાને ટકરાવના બદલે ચર્ચા દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે. આગામી દિવસોમાં સરકાર અને સોનમ વાંગચુક વચ્ચે વધુ બેઠકો યોજાઈ શકે છે, જેના આધારે આંદોલનના આગામી પગલાં નક્કી થશે. હાલ દેશભરમાં વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોની નજર આ વાતચીતના પરિણામ પર ટકેલી છે.