મહિલાઓને લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં 33 ટકા અનામત આપવાનો માર્ગ મોકળો કરવા કેન્દ્ર સરકાર નવું બંધારણીય સુધારા વિધેયક લાવવાની તૈયારી કરી રહી છે.આ વિધેયક હેઠળ લોકસભા તેમજ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓમાં હાલની બેઠકોની સંખ્યામાં 50 ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ છે.સાથે જ બેઠકોની નવી ફાળવણી અને મતવિસ્તારોની સીમાઓને વર્ષ 2051 સુધી સ્થિર રાખવાની યોજના છે.
લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા વધારીને 850 કરવામાં આવશે.
વિધેયક મુજબ લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા વધારીને 850 કરવામાં આવશે.જેમાં રાજ્યોમાંથી મહત્તમ 815 અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 35 સભ્યો હોઈ શકશે. જ્યારે કોઈપણ રાજ્યની વિધાનસભામાં સભ્યોની મહત્તમ સંખ્યા 500થી વધારીને 650 કરવાની દરખાસ્ત છે.કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ પગલાનો મુખ્ય હેતુ મહિલાઓ માટે એક તૃતીયાંશ એટલે કે 33 ટકા અનામતનો અમલ વહેલી તકે કરવાનો છે. આ અનામતમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ની મહિલાઓને પણ અનામતનો લાભ મળશે.
તમામ રાજ્યોમાં બેઠકોની સંખ્યામાં 50 ટકાનો વધારો થશે
વિધેયકમાં જણાવ્યા અનુસાર, સીમાંકન દરમિયાન લોકસભા તેમજ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓમાં હાલની બેઠકોની સંખ્યામાં 50 ટકાનો વધારો કરવામાં આવશે. આ દરખાસ્તની સૌથી મોટી વિશેષતા એ છે કે તમામ રાજ્યોમાં બેઠકોની સંખ્યા એકસમાન પ્રમાણમાં વધારવામાં આવશે.એટલે કે કોઈ રાજ્યમાં હાલમાં જેટલી બેઠકો છે, તેમાં 50 ટકાનો વધારો થશે. આના કારણે લોકસભામાં અલગ-અલગ રાજ્યોની હાલની બેઠકોની ભાગીદારી લગભગ અગાઉના પ્રમાણમાં જળવાઈ રહેશે. આ અગાઉ ગત એપ્રિલમાં લાવવામાં આવેલા બંધારણીય સુધારા વિધેયક કરતાં મોટો ફેરફાર છે. તે સમયે વિપક્ષે એકજૂથ થઈને લોકસભામાં વિધેયકને પસાર થતું અટકાવ્યું હતું.
સીમાંકન માટે 2011ની વસ્તી ગણતરીનો ઉપયોગ થઈ શકે છે
નવા વિધેયકમાં સીમાંકન માટે સુધારો અમલમાં આવે તે સમયે ઉપલબ્ધ તાજી પ્રકાશિત વસ્તી ગણતરીના આંકડાઓનો ઉપયોગ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તેનો અર્થ એ છે કે હાલની સ્થિતિમાં 2011ની વસ્તી ગણતરીના આંકડાઓના આધારે મતવિસ્તારોનું નવેસરથી સીમાંકન થઈ શકે છે.પ્રસ્તાવ મુજબ બેઠકોની નવી ફાળવણી અને મતવિસ્તારોની સીમાઓમાં કરવામાં આવેલા ફેરફારો વર્ષ 2051 સુધી અમલમાં રહેશે.ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા મહિલા અનામત કાયદા હેઠળ લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. જોકે, આ કાયદાના અમલને આગામી વસ્તી ગણતરી બાદ થનારા સીમાંકન સાથે જોડવામાં આવ્યો હતો. હવે નવા પ્રસ્તાવ દ્વારા મહિલા અનામતનો અમલ વહેલો કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
15 વર્ષ માટે મહિલા અનામતનો અમલ રહેશે
નવા વિધેયક અનુસાર, મહિલા અનામત બંધારણના 106મા સુધારાની જોગવાઈઓ અમલમાં આવવાની તારીખથી 15 વર્ષ સુધી લાગુ રહેશે. જોકે, સંસદ કાયદો બનાવીને તેની સમયમર્યાદા વધારી શકશે.આ ઉપરાંત અલગ-અલગ ચૂંટણીમાં અનામત બેઠકો બદલવાની એટલે કે રોટેશન કરવાની સત્તા પણ સંસદ પાસે રહેશે.કેન્દ્ર સરકાર સોમવારે નવું સીમાંકન વિધેયક, 2026 પણ રજૂ કરશે.આ વિધેયકમાં ત્રણ સભ્યોના સીમાંકન પંચની રચના કરવાની દરખાસ્ત છે.આ પંચના અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના વર્તમાન અથવા પૂર્વ ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવશે.પંચની રચના કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે.આ પંચની મુખ્ય જવાબદારીઓમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બેઠકોની ફાળવણી નક્કી કરવી,મતવિસ્તારોની સીમાઓનું નવેસરથી નિર્ધારણ કરવું અને મહિલાઓ માટે અનામત બેઠકોની ઓળખ કરવી સામેલ હશે.અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે અનામત રાખવામાં આવેલી બેઠકોનું રોટેશન સંબંધિત અનામત મતવિસ્તારોની અંદર જ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Ahmedabad: અભિવ્યક્તિમાં ઈશાની દવેનું સુર એ રાષ્ટ્ર અને રણજીત બારોટના જાઝ ફ્યુઝનનું ધમાકેદાર પરફોર્મન્સ