સંસદના વિશેષ સત્રમાં મહિલા અનામતના અમલીકરણ અને સીમાંકન બિલને લઈને સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી હતી. એક તરફ સરકારે તેને ઐતિહાસિક પગલું ગણાવ્યું, તો બીજી તરફ વિપક્ષે તેને 'પાછલા બારણે સીમાંકન' લાવવાનો પ્રયાસ ગણાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
અમિત શાહ વિરુદ્ધ અખિલેશ યાદવ
ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે સવાલ ઉઠાવ્યો હતો કે, શું મુસ્લિમ મહિલાઓ અડધી વસ્તીનો હિસ્સો નથી? તેમને અનામત કેમ નહીં?" આના જવાબમાં ગૃહમંત્રી અમિત શાહે કટાક્ષ કરતા કહ્યું કે, તમે તેમને તમારી પાર્ટી તરફથી ટિકિટ આપો, તમને કોણે રોક્યા છે? આ શાબ્દિક ટપાટપીએ ગૃહમાં વાતાવરણ ગરમ કરી દીધું હતું.
સીમાંકન અને બેઠકોનું ગણિત
કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સ્પષ્ટ કર્યું હતું કે મહિલા અનામતનો અમલ 2026 ની વસ્તી ગણતરી અને સીમાંકન બાદ જ થશે. આ પ્રક્રિયા હેઠળ લોકસભાની બેઠકોમાં ૫૦ ટકાનો વધારો થવાની શક્યતા છે, જેનાથી કુલ બેઠકો 815 થશે. તેમાંથી એક તૃતીયાંશ એટલે કે 272 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. મેઘવાલે ખાતરી આપી હતી કે આનાથી કોઈપણ રાજ્યને બેઠકોનું નુકસાન થશે નહીં.
વિપક્ષના આક્ષેપો: 'પાછલા બારણે' સીમાંકન
કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, મહિલા અનામતને સીમાંકન સાથે જોડીને સરકાર જાણીજોઈને અવરોધ ઉભા કરી રહી છે. તેમણે આ બિલને મહિલા કલ્યાણ માટે નહીં પરંતુ 'પાછલા દરવાજા' થી સીમાંકન પ્રક્રિયા લાગુ કરવાની યુક્તિ ગણાવી હતી. બીજી તરફ ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યાએ પીએમ મોદીનો આભાર માનતા કહ્યું કે, જે બિલ 30 વર્ષથી લટકેલું હતું તે આજે ભાજપના મક્કમ ઈરાદાને કારણે શક્ય બન્યું છે.
