લખનઉના અલીગંજ વિસ્તારમાં બનેલી ભીષણ અગ્નિકાંડની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. જે ઇમારતમાં કોચિંગ સેન્ટરના નામે શિક્ષણનું મંદિર ચાલતું હતું, તે વાસ્તવમાં મોતનો માચડો સાબિત થઈ. આ દુર્ઘટનામાં 15 નિર્દોષ વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, અને હવે આ આખા મામલામાં એવી ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે કે જે વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉભા કરે છે. જો 10 વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૬માં લેવાયેલા નિર્ણયોનું પાલન થયું હોત, તો કદાચ આજે 15 પરિવારોના દીવા બુઝાયા ન હોત.


2016નો તોડી પાડવાનો આદેશ ક્યાં દબાઈ ગયો?

તપાસમાં બહાર આવ્યું છે કે અલીગંજમાં આવેલી જે ત્રણ માળની ઇમારતમાં આ કોચિંગ સેન્ટર ધમધમતું હતું, તે ગેરકાયદેસર હોવાનું ઘણા સમય પહેલા સાબિત થઈ ચૂક્યું હતું. લખનૌ વિકાસ સત્તામંડળ (LDA) દ્વારા ૨૦૧૬માં જ આ ઇમારતને તોડી પાડવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, આદેશના માત્ર બે મહિના બાદ જ, કોઈ પણ પ્રકારના માળખાકીય સુધારા વિના, આ આદેશને રહસ્યમય સંજોગોમાં રદ કરી દેવામાં આવ્યો હતો. આ આદેશ પાછો ખેંચવાની પાછળ કયા કારણો હતા? શું કોઈ મોટા માથાઓનો હાથ હતો? આ સવાલો અત્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.

રહેણાંક મકાનમાં કોચિંગ સેન્ટર: નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન

કોઈપણ ઈમારત જ્યારે નિર્મિત થાય છે, ત્યારે તેનો નકશો રહેણાંક (Residential) કે વાણિજ્યિક (Commercial) તે મુજબ નક્કી થાય છે. અલીગંજની આ ઇમારતનો નકશો સ્પષ્ટપણે 'રહેણાંક' હેતુ માટે મંજૂર થયેલો હતો. આમ છતાં, ત્યાં કોચિંગ સેન્ટર કેવી રીતે શરૂ થયું? અધિકારીઓની નાક નીચે આટલી મોટી ગેરકાયદેસર પ્રવૃત્તિ વર્ષો સુધી ચાલતી રહી અને કોઈએ તેને રોકવાની તસ્દી ન લીધી. આ બેદરકારી જ 15 વિદ્યાર્થીઓના મોતનું મુખ્ય કારણ બની છે.

મિલકતના હસ્તાંતરણનો ઈતિહાસ અને કાયદાકીય ગૂંચ

1980 માં લોટરી સિસ્ટમ દ્વારા ફાળવવામાં આવેલી આ મિલકત વર્ષો દરમિયાન હાથોહાથ બદલાતી રહી. 2013 માં આ ઇમારત વીરેન્દ્ર પ્રતાપ શુક્લા અને સુરેન્દ્ર પ્રતાપ શુક્લાના નામે થઈ. 2014 માં તેને રહેણાંક ઉપયોગ માટે મંજૂરી મળી, પરંતુ અનધિકૃત બાંધકામની ગંધ આવતા 2016 માં LDA દ્વારા કેસ નંબર 08/20016 દાખલ કરવામાં આવ્યો હતો. કાગળ પર કાર્યવાહી શરૂ થઈ, પરંતુ જમીની સ્તરે તે ફાઈલ કાયમ માટે બંધ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે.

શું આ માત્ર અકસ્માત છે કે વહીવટી હત્યા?

15 બાળકોના મોત માત્ર એક 'આગની ઘટના' નથી, પરંતુ વર્ષોથી ચાલતી ભ્રષ્ટાચાર અને બેદરકારીની પરાકાષ્ઠા છે. જો સરકારી અધિકારીઓએ ૨૦૧૬માં જ પોતાની ફરજ નિભાવી હોત અને ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દીધું હોત, તો આજે પરિસ્થિતિ અલગ હોત. આ ઘટનાએ એ સાબિત કર્યું છે કે કાગળ પરના નિયમો અને વાસ્તવિકતા વચ્ચેનો ગાળો જ્યારે ભ્રષ્ટાચારથી ભરાય છે, ત્યારે તેના ભોગ નિર્દોષોએ બનવું પડે છે. હવે સવાલ એ છે કે શું જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થશે, કે પછી આ તપાસ પણ કોઈ ઠંડા કલાકે દબાવી દેવામાં આવશે?

આ પણ વાંચોઃ Lucknow Fire Incident : PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારજનોને વળતર આપવાની કરી જાહેરાત


  • Follow us on: