મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં શનિવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના ખુજનેર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ભીલખેડી જોડ પાસે એક ફૂલ સ્પીડે દોડી રહેલી સ્વિફ્ટ કાર અચાનક બેકાબૂ બનીને રસ્તા કિનારે આવેલા તળાવમાં ખાબકી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ.
ભારે જહેમત બાદ કારને તળાવમાંથી બહાર કાઢવામાં આવી
માહિતી મળતા જ ખુજનેર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક ગ્રામજનોની મદદથી ભારે જહેમત બાદ કારને તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી. કારમાં ફસાયેલા પાંચેય લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તપાસ બાદ તમામને મૃત જાહેર કર્યા હતા.
અંદર બેઠેલા લોકો બહાર નીકળી શક્યા નહોતા
પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માત સમયે કારના તમામ દરવાજા અને કાચ બંધ હતા. જેના કારણે કાર તળાવમાં ડૂબી જતા અંદર બેઠેલા લોકો બહાર નીકળી શક્યા નહોતા. પોલીસ અને સ્થાનિક લોકોએ કારના કાચ તોડી બચાવ કામગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.
તમામ મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરાશે
મૃતકોની ઓળખ માટે પોલીસને તેમની પાસે મળેલા દસ્તાવેજોના આધારે કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતકો અરનિયા ખુર્દ, અવંતીપુર બડોદિયા, મોહન બડોદિયા અને હતાઈ ખેડા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જોકે, પરિવારજનોના આગમન બાદ જ પોલીસ તેમની સત્તાવાર ઓળખની પુષ્ટિ કરશે.
તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અને ઓળખ પ્રક્રિયા માટે મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે. પરિવારજનો પહોંચ્યા બાદ પંચનામું અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ કરીને મૃતદેહો તેમને સોંપવામાં આવશે. હાલમાં પોલીસ અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ વધુ ઝડપ અને વાહન પરનો કાબૂ ગુમાવવાને કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
આ પણ વાંચો : આ શાંતિ, ધૈર્ય અને દ્રઢતાનો વિજય... સોનમ વાંગચુકે આપી પ્રતિક્રિયા