નક્સલવાદ સામે કાર્યવાહી કરતાં મહારાષ્ટ્ર ATSએ ઠાણે જિલ્લાના ઠાકુર્લી વિસ્તારમાંથી એક નક્સલીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, આ નક્સલી ઝારખંડનાં જંગલ વિસ્તારમાં રહેતો હતો. ઝારખંડ સરકારે તેના પર 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી છેલ્લા 10 દિવસથી ઠાકુર્લીમાં રહેતો હતો. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ સંજય સરોજ યાદવ ઉર્ફે સંજય ગોદરાય ઉર્ફે બુધરામ (45 વર્ષ) તરીકે થઈ છે. આરોપી મહારાષ્ટ્રમાં શા માટે અને કયા હેતુથી આવ્યો હતો, તેની તપાસ ચાલી રહી છે. હાલ પોલીસ આજે આરોપીને ATS કોર્ટમાં રજૂ કરશે.

આરોપીની ગતિવિધિઓની તપાસ કરી રહી છે ATS

ATS એ પણ તપાસ કરી રહી છે કે શું આરોપી ઠાકુર્લીમાં કોઈના સંપર્કમાં હતો, કોઈ સંગઠન માટે કામ કરતો હતો કે પછી અહીં છુપાવાના ઇરાદે આવ્યો હતો. મળતી માહિતી મુજબ, આરોપીએ છેલ્લા 10 દિવસમાં કોની-કોની સાથે મુલાકાત કરી અને કયા-કયા સ્થળે ગયો હતો, તેની તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં 24 ઓક્ટોબરે મહારાષ્ટ્રના આતંકવાદ વિરોધી દળ (ATS)એ મુંબઈના માહિમ વિસ્તારમાંથી 33 વર્ષના એક શંકાસ્પદની ધરપકડ કરી હતી. તેના પર પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાની શંકા હતી.

તાજેતરમાં એક શંકાસ્પદ આતંકવાદી ઝડપાયો હતો

આરોપીની ઓળખ મોહમ્મદ હસન અબુ સરમદ અખ્તર તરીકે થઈ હતી. ગુપ્ત માહિતીના આધારે મહારાષ્ટ્ર ATSની કાલાચૌકી યુનિટે માહિમ મેટ્રો સ્ટેશન નજીકથી તેની ધરપકડ કરી હતી.

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આરોપી રેપિડો રાઇડર અને અત્તર વેચનાર તરીકે કામ કરવાની આડમાં કટ્ટરપંથી વિચારધારાનો પ્રચાર કરતો હતો. ATSએ જણાવ્યું હતું કે તે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સાંપ્રદાયિક નફરત અને દેશવિરોધી લાગણીઓ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તપાસ ટીમને તેના મોબાઇલ ફોનમાંથી આવી ગતિવિધિઓ સાથે જોડાયેલી સામગ્રી પણ મળી હતી.

જૈશના આતંકવાદી સંગઠનનો સમર્થક હોવાનો આરોપ

એજન્સીના જણાવ્યા અનુસાર, આરોપી એક ટેલિગ્રામ ગ્રુપ ચલાવતો હતો. આરોપ છે કે તેણે 1 જૂનના રોજ આ ગ્રુપમાં જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરના ભડકાઉ ઓડિયો ભાષણો અપલોડ કર્યા હતા, જે બાબરી મસ્જિદ અને અન્ય મુદ્દાઓ સાથે સંબંધિત હતા. ATSએ એવો પણ દાવો કર્યો હતો કે આરોપી 'ઇબ્ન-એ-કાસિમ' નામની પાકિસ્તાન સમર્થિત કટ્ટરપંથી ટેલિગ્રામ ચેનલનો સક્રિય સભ્ય હતો.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d