મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) એસ. ચોકલિંગમે ચૂંટણી પંચના (ECI) વરિષ્ઠ અધિકારીઓને એક મહત્વપૂર્ણ પત્ર લખીને ECINet સોફ્ટવેરની કામકાજ પ્રણાલી સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. ગત 24 સપ્ટેમ્બરના રોજ લખાયેલા આ પત્રમાં તેમણે એવી માંગ કરી છે કે ચૂંટણી નોંધણી અધિકારીઓ (ERO) ને પોતાની કાનૂની સત્તાઓનો યોગ્ય ઉપયોગ કરવામાં કોઈ અડચણ ન નડે, તે માટે સોફ્ટવેરમાં તાત્કાલિક પાંચ મોટા ફેરફારો કરવામાં આવે.

વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનરને મોકલ્યો પત્ર

આ પત્ર ECI ના વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર મનીષ ગર્ગ, ડીજી આઈટી સીમા ખન્ના, પવન દિવાન અને એ.કે. પાઠકને મોકલવામાં આવ્યો છે. એસ. ચોકલિંગમે પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે હાલની ECINet સિસ્ટમમાં કેટલીક એવી તકનીકી મર્યાદાઓ છે જેના કારણે ERO પાસે કાગળ પર અને કાનૂની રૂપે સત્તા હોવા છતાં, સોફ્ટવેરમાં તેને અમલમાં મૂકવા માટેના જરૂરી વિકલ્પો કે 'બટન' ઉપલબ્ધ નથી.

મુખ્ય પાંચ માંગણીઓ અને સમસ્યાઓ

1. સુનાવણીમાંથી મુક્તિનો વિકલ્પ: કાયદાકીય જોગવાઈ મુજબ ERO પાસે એ નક્કી કરવાનો અધિકાર છે કે કોઈ વ્યક્તિને રૂબરૂ સુનાવણી માટે બોલાવવાની જરૂર છે કે નહીં. પરંતુ, વર્તમાન ECINet સોફ્ટવેરમાં કોઈ વ્યક્તિને સુનાવણીમાંથી મુક્તિ આપવા માટેનો કોઈ જ વિકલ્પ આપવામાં આવ્યો નથી. તેથી સોફ્ટવેરમાં આ વિકલ્પ ઉમેરવો અનિવાર્ય છે.

2. 'અન્ય સમકક્ષ દસ્તાવેજ'નો સમાવેશ: નોટિસની પાછળ 13 દસ્તાવેજોની યાદી આપવામાં આવી છે, પરંતુ તે અંતિમ યાદી નથી. ખાસ કરીને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ, સેક્સ વર્કર્સ કે બેઘર નાગરિકો પાસે આ 13 માંથી એક પણ દસ્તાવેજ ન હોય શકે. આવા કિસ્સાઓમાં અન્ય યોગ્ય દસ્તાવેજ સ્વીકારવા માટે સોફ્ટવેરમાં ૧૪મા વિકલ્પ તરીકે જોગવાઈ હોવી જોઈએ.

3. તાર્કિક વિસંગતતાઓનું નિરાકરણ અને SIR અર્ક: ERO ને તમામ પ્રકારની 'તાર્કિક વિસંગતતાઓ' ઉકેલવાનો અને નિર્ણય લેવાનો અધિકાર હોવો જોઈએ. પત્રમાં માંગ કરવામાં આવી છે કે દરેક વિસંગતતા માટે છેલ્લો SIR અર્ક અપલોડ કરવાની શરતને વૈકલ્પિક બનાવવામાં આવે, જેથી બિનજરૂરી જટિલતાઓથી બચી શકાય.

4. FAQ અને માર્ગદર્શિકા: ERO ને સોફ્ટવેરની પ્રક્રિયા અંગે અક્ષરસઃ ઘણા પ્રશ્નો હોય છે. માત્ર મૌખિક સૂચનાઓ પૂરતી નથી, પરંતુ નોટિસ, દસ્તાવેજ સબમિશન અને કેસ રિઝોલ્યુશનની પ્રક્રિયા સરળતાથી સમજવા માટે સિસ્ટમમાં જ FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો) ઉપલબ્ધ કરાવવા જોઈએ.

5. અપીલ અને રિવર્સલનો વિકલ્પ: હાલની સિસ્ટમ માત્ર નામ ઉમેરવાની કે દૂર કરવાની પરવાનગી આપે છે. પરંતુ જો કોઈ નિર્ણય સામે અપીલ કરવી હોય અથવા રિવર્સલ કરવું હોય તો તેના માટે સોફ્ટવેરમાં પૂરતા વિકલ્પો હોવા જરૂરી છે.

આ પણ વાંચોઃ Pentagon cyber attack :30 લાખથી વધુ લશ્કરી કર્મચારીઓના અંગત અને નોકરી સંબંધિત માહિતી લીક