મહારાષ્ટ્રમાં ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ મોટી કાર્યવાહી કરી છે. વિભાગે Domino's Pizzaના 2 આઉટલેટ સહિત 11 ખાદ્ય સંસ્થાઓનાં લાઇસન્સ સસ્પેન્ડ કર્યાં છે. આ ઉપરાંત, રાજ્યભરમાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન આશરે 38 ટન ખાદ્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે. તેની કિંમત ₹54.66 લાખ હોવાનું જણાવાયું છે.

FDA દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા નિવેદન અનુસાર, 21 અને 22 ઓક્ટોબરે હાથ ધરાયેલી તપાસ દરમિયાન અનેક સ્થળોએ સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાને લગતી ગંભીર ખામીઓ મળી આવી હતી. તેમાં ગંદા રસોડાં અને ગટર વ્યવસ્થા, કાટ લાગેલા રૅક અને વાસણો, પરત આવેલી બ્રેડને તાજા જથ્થામાં ભેળવવી, ખાદ્ય સામગ્રીના તાપમાનનો અધૂરો રેકોર્ડ રાખવો અને કર્મચારીઓ પાસે તબીબી પ્રમાણપત્રો ન હોવા જેવી ખામીઓનો સમાવેશ થાય છે. કેટલીક જગ્યાએ મીઠાઈઓમાં મંજૂરી વગરના રંગોનો ઉપયોગ પણ જોવા મળ્યો હતો.

મુંબઈમાં 9 સંસ્થાઓ સામે કાર્યવાહી

FDAએ મુંબઈમાં 9 ખાદ્ય સંસ્થાઓનાં લાઇસન્સ સસ્પેન્ડ કર્યાં છે. તેમાં ભાંડુપ વેસ્ટ સ્થિત Domino's Pizzaના આઉટલેટ ઉપરાંત મઝગાંવની SK Bakery, ગ્રાન્ટ રોડની Nekzad Restaurant, બાંદ્રા વેસ્ટની Foodies Multi Cuisine, જોગેશ્વરી વેસ્ટની Arabian Lukma, કુર્લા વેસ્ટની Delhi Zaika, ઘાટકોપર વેસ્ટના R City Mallમાં આવેલી U-Me અને ગોવંડીની Bikkgane Biryaniનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, બીડમાં Domino's Pizzaના એક આઉટલેટ અને પરભણીના રહમત નગરમાં આવેલી KK Bakers સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. વિભાગે ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ હેઠળ આ પગલાં લીધાં છે.

નવી મુંબઈમાં ₹50 લાખથી વધુનો ખાદ્ય જથ્થો જપ્ત

તપાસ દરમિયાન સૌથી વધુ ખાદ્ય સામગ્રી કોંકણ વિભાગમાંથી જપ્ત કરવામાં આવી હતી. નવી મુંબઈની RDC Agro Venture Private Limitedમાંથી 33,286 કિલો રાજમા અને દાળ જપ્ત કરવામાં આવી હતી. તેની કિંમત આશરે ₹50.05 લાખ છે. FDAને આ જથ્થો હલકી ગુણવત્તાનો અને ખોટા લેબલવાળો હોવાની શંકા હતી.

નાશિક વિભાગમાં આશરે ₹1.70 લાખની કિંમતની 483.4 કિલો ખાદ્ય સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. તેમાં રિફાઇન્ડ સોયાબીન તેલ, માખણ, ઘી, પીળી સેવ અને પાપડીનો સમાવેશ થાય છે. એક સંસ્થાની તપાસ દરમિયાન જરૂરી પ્રયોગશાળા, તકનીકી કર્મચારીઓ અને ખાદ્ય પદાર્થોના વિશ્લેષણના અહેવાલ જેવી વ્યવસ્થાઓનો પણ અભાવ જોવા મળ્યો હતો.

બીજી તરફ, છત્રપતિ સંભાજીનગર વિભાગમાં ઔરંગાબાદ કોલ્ડ સ્ટોરેજ LLPમાંથી 4,222 કિલો ગોળ અને વરિયાળી જપ્ત કરવામાં આવી હતી. તેની કિંમત આશરે ₹2.91 લાખ હોવાનું જણાવાયું છે.

FDAના જણાવ્યા અનુસાર, સમગ્ર મહારાષ્ટ્રમાં કુલ 37,991.4 કિલો ખાદ્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે. ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે વિભાગે આ તપાસ અભિયાન હાથ ધર્યું હતું.