છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના રાજકારણમાં એનસીપી (NCP) ના બે જૂથોના સંભવિત પુનઃમિલન અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. નેતાઓ વચ્ચેની વિવિધ બેઠકો અને ત્યારબાદ તેમના નિવેદનોને કારણે બંને જૂથોના સંભવિત વિલીનીકરણ અંગે ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી. હવે એનસીપી (શરદ પવાર જૂથ) ના સાંસદ સુપ્રિયા સુલેએ મુંબઈમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
સુપ્રિયા સુલેએ વિલીનીકરણ અંગે મૂકી દીધુ પૂર્ણ વિરામ
સુપ્રિયા સુલેએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અજીત પવાર જ્યારે આ પ્રક્રિયામાં સામેલ હતા ત્યારે બંને જૂથોના વિલીનીકરણ અંગે વાતચીત ચાલી રહી હતી અને એક તારીખ પણ નક્કી કરવામાં આવી હતી. જોકે તેમના ભાઈના અવસાન બાદ હવે તે પ્રકરણ કાયમી ધોરણે બંધ થઈ ગયું છે.
પત્રકાર પરિષદ દરમિયાન, સુપ્રિયા સુલેએ હાથ જોડીને વિનંતી કરી કે હવે વિલીનીકરણના વિષય પર કોઈ ચર્ચા ન કરવામાં આવે. તેમણે પૂછ્યું, "મારા ભાઈ હવે આપણી વચ્ચે નથી, તો પછી વિલીનીકરણ વિશે વાત કરવાનો શું અર્થ છે?" તેમણે ભારપૂર્વક કહ્યું કે અજીત પવારના અવસાન પછી તેમના માટે આ વિષય હવે પૂરો થઈ ગયો છે. તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે તેઓ ભવિષ્યમાં આ વિષય પરના કોઈપણ પ્રશ્નનો જવાબ આપશે નહીં.
અજિત પવાર હતા ત્યારે નક્કી થઇ હતી તારીખ
સુપ્રિયા સુલેએ સ્વીકાર્યું કે બંને જૂથોને ફરીથી એક કરવા અંગે ખરેખર ચર્ચાઓ થઈ હતી. આ કોઈ નવી વાત નહોતી. વાતચીત આગળ વધી હતી અને એક તારીખ પણ નક્કી થઈ ગઈ હતી. જોકે તેમણે વિલીનીકરણ માટે નક્કી કરવામાં આવેલી ચોક્કસ તારીખનો ખુલાસો કર્યો ન હતો.
ઉલ્લેખનીય છે કે જુલાઈ 2023માં અજીત પવારે એનસીપીથી અલગ થઈને પોતાનું અલગ જૂથ બનાવ્યું હતું. જેના પરિણામે પક્ષ બે ભાગમાં વહેંચાઈ ગયો હતો. એક જૂથનું નેતૃત્વ શરદ પવાર કરી રહ્યા છે અને બીજા જૂથનું નેતૃત્વ અજીત પવાર કરી રહ્યા છે. તાજેતરમાં બંને પક્ષોના નેતાઓ વચ્ચે થયેલી મુલાકાતોને કારણે ફરીથી એક થવાની અટકળો તેજ બની હતી.
અજીત પવાર જૂથ તરફથી કોઈ સંપર્ક નહીં- સુપ્રિયા સુલે
સુપ્રિયા સુલેએ એમ પણ જણાવ્યું કે તેમને અજીત પવાર જૂથ તરફથી વિલીનીકરણ અંગે કોઈ ફોન કોલ, સંદેશ કે ઈમેલ મળ્યો નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે, તેમની જાણકારી મુજબ આ બાબતે કોઈ નવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો નથી. એનડીએ (NDA) માં જોડાવા અંગે પણ કોઈ ચર્ચા થઈ નથી. આ વાતચીત દરમિયાન તેમણે સંજય રાઉત દ્વારા આપવામાં આવેલા નિવેદનો અને તેમના લેખોનો પણ જવાબ આપ્યો હતો. સુલેએ ટિપ્પણી કરી કે લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે. તેમણે સંજય રાઉતને પોતાના મોટા ભાઈ સમાન ગણાવ્યા અને ઉમેર્યું કે તેમને જે યોગ્ય લાગે તે લખવા માટે તેઓ સ્વતંત્ર છે.
રાહુલ ગાંધીનો ફોન ટેપ કરવા અંગે શું કહ્યું ?
સીમાંકન પ્રક્રિયા (delimitaton process) અંગે સુપ્રિયા સુલેએ જણાવ્યું કે સરકારે કાશ્મીરથી કન્યાકુમારી સુધી લોકસભા મતવિસ્તારોમાં 50 ટકા વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સાથે મહિલા અનામતનો પ્રસ્તાવ પણ છે, જેને તેમણે સમર્થન આપ્યું. તેમણે સ્પષ્ટ કર્યું કે આ બાબતે તેમનું વલણ ત્રણ મહિના પહેલાં જે હતું તે જ છે તેમાં કોઈ ફેરફાર થયો નથી. રાહુલ ગાંધીના ફોન ટેપિંગના કથિત મામલા અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે તેમને આ વિશે જાણ નથી, પરંતુ તેઓ રાહુલ ગાંધી અને આદિત્ય ઠાકરે બંને સાથે આ અંગે વાત કરશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે જો ખરેખર તેમના ફોન ટેપ કરવામાં આવ્યા હોય, તો તે ખોટું છે; કોઈનો પણ ફોન ક્યારેય ટેપ ન થવો જોઈએ.
https://x.com/ANI/status/2121479514136162744?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2121479514136162744%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
આમ મુંબઈમાં આયોજિત એક પત્રકાર પરિષદ દરમિયાન સુપ્રિયા સુલેએ NCPના સંભવિત વિલીનીકરણથી લઈને સીમાંકન પ્રક્રિયા અને ફોન ટેપિંગ જેવા વિવિધ મુદ્દાઓ પર વાત કરી. જોકે, વિલીનીકરણના પ્રશ્ન પર તેમણે સ્પષ્ટતા કરી કે અજીત પવારના (પક્ષ છોડીને) ગયા પછી, તેમના માટે તે ચર્ચાનો હવે અંત આવી ગયો છે.