મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ડીજીપી રશ્મિ શુક્લાના એક રિપોર્ટે સનસનાટી મચાવી દીધી છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે મહા વિકાસ આઘાડી સરકારના દબાણમાં તત્કાલીન ડીજીપી સંજય પાંડેએ દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. એસઆઈટી તપાસમાં આ વાત બહાર આવી છે. એસઆઈટી રિપોર્ટમાં સંજય પાંડે સામે કાનૂની કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે.
ગૃહવિભાગને ગુપ્ત રિપોર્ટ સોંપ્યો
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ડીજીપી રશ્મિ શુક્લાએ ગૃહ વિભાગને ગુપ્ત અહેવાલ સુપરત કર્યો છે. તેમાં જણાવાયું છે કે જ્યારે સંજય પાંડે મહારાષ્ટ્ર પોલીસના ડીજીપી હતા, ત્યારે તેમણે તત્કાલીન સરકારના કહેવાથી દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેને બિલ્ડરો પાસેથી પૈસા પડાવવાના ખોટા કેસમાં ફસાવવાનો આદેશ આપ્યો હતો અને તેમને જેલમાં ધકેલી દીધા હતા.
ફડણવીસ અને શિંદેન ફસાવવાનો અપાયો હતો નિર્દેશ
મહારાષ્ટ્ર ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને સુપરત કરાયેલા આ અહેવાલમાં જણાવાયું છે કે સંજય પાંડેએ થાણેના ડીસીપી લક્ષ્મીકાંત પાટિલ અને એસીપી સરદાર પાટિલને 2016ના યુએલસી કેસમાં ફડણવીસ અને શિંદેને આરોપી તરીકે નામ આપવા અને બિલ્ડરો પાસેથી પૈસા પડાવ્યા હોવાનું દર્શાવવા નિર્દેશ આપ્યો હતો.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એસીપી સરદાર પાટીલ પર ફડણવીસ અને શિંદેની ધરપકડ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી સંજય પુનમિયાએ તપાસ એજન્સીઓને એક ઓડિયો ક્લિપ પૂરી પાડી છે, જેમાં કથિત રીતે સંજય પાંડે, લક્ષ્મીકાંત પાટીલ અને સરદાર પાટીલ વચ્ચે ફડણવીસને ફસાવવા અંગેની વાતચીત રેકોર્ડ કરવામાં આવી છે.
રાજકીય બદલો લેવા કર્યુ પ્લાનિંગ
વધુમાં રિપોર્ટમાં કોપરી પોલીસ સ્ટેશનના કેસ સીઆર નંબર 176/2021નો ઉલ્લેખ છે. તેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ડીસીપી લક્ષ્મીકાંત પાટીલે પુનમિયા અને સુનિલ જૈનની ધરપકડ પછી પૂછપરછ કરી હતી, જોકે તેઓ આ કેસમાં તપાસ અધિકારી ન હતા. પૂછપરછ દરમિયાન પુનમિયા પર ફડણવીસ દ્વારા બિલ્ડરો પાસેથી વસૂલવામાં આવેલી રકમ જાહેર કરવા દબાણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટમાં તારણ કાઢવામાં આવ્યું છે કે આ સમગ્ર ઘટના રાજકીય બદલો લેવા માટે પોલીસ મશીનરીનો દુરુપયોગ દર્શાવે છે. આ ખુલાસો મહારાષ્ટ્રમાં સત્તા, કાયદો અને વ્યવસ્થા અને નિષ્પક્ષ તપાસની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. આ મામલે તપાસ અને કાર્યવાહીની માંગણીઓ જોર પકડી રહી છે, જેનાથી રાજ્યના રાજકારણમાં હલચલ મચી જવાની શક્યતા છે.
યુએલસી કૌભાંડ શું છે?
મહારાષ્ટ્રમાં શહેરી જમીન ટોચમર્યાદા (યુએલસી) કૌભાંડ એ શહેરી જમીન ટોચમર્યાદા અધિનિયમ 1976 સાથે જોડાયેલું જમીન કૌભાંડ છે. આ કાયદા હેઠળ 500 ચોરસ મીટરથી વધુ જમીન ધરાવતા શહેરી વિસ્તારોને સરકાર દ્વારા જાહેર ઉપયોગ માટે જમીનનું યોગ્ય સંચાલન સુનિશ્ચિત કરવા માટે સંપાદિત કરવામાં આવ્યા હતા. જો કે આ પ્રક્રિયામાં ભ્રષ્ટાચારે મુખ્ય ભૂમિકા ભજવી હતી જેના કારણે રાજ્યને નોંધપાત્ર નાણાકીય નુકસાન થયું હતું.
આ કૌભાંડમાં જમીન માલિકોએ સરકારી સંપાદન ટાળવા અને ઓછું વળતર મેળવવા માટે દસ્તાવેજો બનાવટી બનાવ્યા હતા. યુએલસીની મદદથી ખોટા પ્રમાણપત્રો ઇશ્યુ કરવામાં આવ્યા હતા જેનાથી જમીન માલિકો તેમની મિલકત સરકારની પહોંચથી દૂર લઈ ગયા હતા. આમ કરોડો રૂપિયાની જમીન ખોટી રીતે સુરક્ષિત કરવામાં આવી હતી જેનાથી સરકારને નોંધપાત્ર નાણાકીય નુકસાન થયું હતું.
આ પણ વાંચો- Ruchak Rajyog: 7 દિવસ બાદ મંગળ ચમકાવશે આ રાશિની કિસ્મત, નોકરી ધંધામાં થશે પ્રગતિ