શનિવારે સવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (IGI) એરપોર્ટ પર એક ભયાનક દુર્ઘટના ટળી હતી. વિશાખાપટ્ટનમથી દિલ્હી આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 579 ના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. વિમાનમાં સવાર 161 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા, પરંતુ પાયલોટની સતર્કતાને કારણે તમામ સુરક્ષિત છે.
હવામાં સર્જાયો 'ખતરો': શું હતી સમગ્ર ઘટના?
સવારે આશરે 10:50 વાગ્યે જ્યારે બોઇંગ 737-800 વિમાન દિલ્હીના હવાઈ ક્ષેત્રમાં હતું, ત્યારે તેના નંબર-1 એન્જિનમાં ગંભીર ખામી સર્જાઈ હતી. એન્જિન અચાનક બંધ થઈ જવાથી અને ભારે કંપન (Vibration) અનુભવાતા પાયલોટે તુરંત એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને જાણ કરી હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતા એરપોર્ટ પર સવારે 10:53 વાગ્યે 'ફુલ ઇમરજન્સી' જાહેર કરવામાં આવી હતી.
લેન્ડિંગ વખતે આ 3 મોટા જોખમો હતા
નિષ્ણાતોના મતે ઇમરજન્સી લેન્ડિંગ હંમેશા પડકારજનક હોય છે. આ કિસ્સામાં મુખ્ય ત્રણ જોખમો હતા, પ્રતિક્રિયા આપવા માટે ઓછો સમય: વિમાન લેન્ડિંગની તૈયારીમાં જ હતું, તેથી પાયલોટ પાસે નિર્ણય લેવા માટે સેકન્ડોનો જ સમય હતો. વજન અને સંતુલન: એન્જિન ફેલ થવાને કારણે વિમાનનું સંતુલન બગડી શકે છે, જેનાથી તે રનવે પરથી ઉતરી જવાનો ભય રહે છે. આગ લાગવાનું જોખમ: એન્જિનમાં ઘર્ષણ અથવા લીકેજને કારણે લેન્ડિંગ વખતે તણખા ઝરવાથી આગ લાગવાની શક્યતા હતી, જેના કારણે રનવે પર ફાયર એન્જિનો તૈનાત રખાયા હતા.
DGCA અને ઇન્ડિગોનું સત્તાવાર નિવેદન
DGCA (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) એ જણાવ્યું કે, "ઇન્ડિગોનું વેટ-લીઝ્ડ B737-800 વિમાન (TCCON) વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું. ઉડાન દરમિયાન તેનું CFM-56 એન્જિન કમાન્ડ વિના બંધ થઈ ગયું હતું. તપાસ અને સમારકામ માટે વિમાનને હાલ ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે." ઇન્ડિગોએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, "ગ્રાહકો અને ક્રૂની સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ પાયલોટે પ્રાથમિકતાના ધોરણે લેન્ડિંગની વિનંતી કરી હતી અને વિમાન 10:54 વાગ્યે સુરક્ષિત રીતે રનવે 28 પર ઉતર્યું હતું."
શું વિમાનોની સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે?
આ ઘટનાએ ફરી એકવાર બોઇંગ 737 વિમાનોની સુરક્ષા સામે સવાલ ઉભા કર્યા છે. તાજેતરમાં સંસદીય સમિતિએ પણ અહેવાલ આપ્યો હતો કે ભારતના લગભગ 50% વાણિજ્યિક વિમાનોમાં કોઈને કોઈ તકનીકી ખામીઓ જોવા મળી રહી છે. ગયા મહિને સ્પાઇસજેટના વિમાનમાં પણ આવી જ એન્જિન ફેલ્યોરની ઘટના બની હતી, જે ચિંતાનો વિષય છે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો