પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની મુશ્કેલીઓનો અંત આવવાનું નામ નથી લઈ રહ્યો. એક તરફ ટીએમસી આંતરિક જૂથબંધી અને બળવાનો સામનો કરી રહી છે, તો બીજી તરફ હવે કલકત્તા હાઈકોર્ટે પણ મમતા કેમ્પને મોટો ફટકો આપ્યો છે. કોર્ટે ટીએમસીના બળવાખોર ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે માન્યતા આપવાના વિધાનસભા અધ્યક્ષ (સ્પીકર) રથેન્દ્ર બોઝના નિર્ણય પર સ્ટે આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.
શું છે સમગ્ર મામલો?
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસીને 80 બેઠકો મળ્યા બાદ મુખ્ય વિપક્ષી પાર્ટી હોવાના નાતે વિપક્ષના નેતાનું પદ ટીએમસીને મળવાનું હતું. પાર્ટી નેતૃત્વએ વરિષ્ઠ ધારાસભ્ય શોભનદેવ ચટ્ટોપાધ્યાયના નામની ભલામણ કરી હતી. જોકે, ટીએમસીના 14 જેટલા ધારાસભ્યોએ એવો દાવો કર્યો હતો કે પાર્ટી દ્વારા રજૂ કરવામાં આવેલી સહીઓ નકલી છે અને કોઈ ઠરાવ પસાર કરવામાં આવ્યો નથી. આ વિવાદ બાદ પાર્ટીએ ઋતબ્રત બેનર્જી અને સંદીપન સાહાને હાંકી કાઢ્યા હતા. આ ઘટનાક્રમ પછી ઋતબ્રત બેનર્જીએ ૫૮ જેટલા ધારાસભ્યોના સમર્થનનો દાવો કરી વિધાનસભા પહોંચ્યા હતા, જેને સ્પીકરે માન્યતા આપીને તેમને વિપક્ષના નેતા જાહેર કર્યા હતા.
કોર્ટનો વલણ અને મમતાની મુશ્કેલીઓ
ટીએમસી નેતૃત્વએ સ્પીકરના આ નિર્ણયને કલકત્તા હાઈકોર્ટમાં પડકાર્યો હતો. દલીલ કરવામાં આવી હતી કે સ્પીકરે પાર્ટીના સત્તાવાર નિર્ણયને બદલે માત્ર જૂથની સંખ્યાત્મક તાકાત પર આધાર રાખીને બંધારણીય સિદ્ધાંતોનું ઉલ્લંઘન કર્યું છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પીકરના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, અંતિમ નિર્ણય લેતા પહેલા સ્પીકરે તમામ પક્ષોને સાંભળવા જોઈતા હતા. જોકે, કોર્ટે સ્ટે આપવાનો ઈનકાર કરતા ઋતબ્રત બેનર્જીનો માર્ગ સાફ કરી દીધો છે.
ઋતબ્રત બેનર્જી વિપક્ષ નેતા તરીકે લેશે ભાગ
હવે આ નિર્ણય બાદ ઋતબ્રત બેનર્જી ગુરુવારથી શરૂ થતા બજેટ સત્રમાં વિપક્ષના નેતા તરીકે ભાગ લેશે. આ સ્થિતિ મમતા બેનર્જી માટે અત્યંત ચિંતાજનક છે, કારણ કે તેમના પક્ષના લગભગ ૬૦ ધારાસભ્યો અને લોકસભાના ૨૦ સાંસદો અલગ જૂથ બનાવીને NDA સાથે જોડાવાના સંકેતો આપી રહ્યા છે. પશ્ચિમ બંગાળના રાજકારણમાં ટીએમસીમાં ફાટ પડેલી આ તિરાડ પાર્ટીના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે મમતા બેનર્જી આ આંતરિક બળવાને કેવી રીતે નિયંત્રિત કરે છે.
આ પણ વાંચોઃ Train Cancelled: 19 તારીખે રેલવે દ્વારા મુસાફરી કરનારા લોકો સાવધાન!અનેક ટ્રેનો કરાઇ રદ...