મણિપુરના ઉખરુલ જિલ્લામાં શંકાસ્પદ ઉગ્રવાદીઓએ બે વાહનો પર ગોળીબાર કર્યો, જેમાં ચાર લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર, પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. પોલીસે જણાવ્યું કે, "શુક્રવારે મણિપુરના ઉખરુલ જિલ્લામાં શંકાસ્પદ ઉગ્રવાદીઓએ બે વાહનોને નિશાન બનાવ્યા. આ ઘટનામાં બે મહિલાઓ સહિત કુલ ચાર લોકોના મોત થયા છે."
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, "આ ઘટના ઇમ્ફાલ-ઉખરુલ રોડ પર આવેલા 'ન્યૂ હેવન' (New Haven) વિસ્તારમાં બની હતી. સશસ્ત્ર ઉગ્રવાદીઓએ ચાર પૈડાંવાળા બે વાહનો પર ગોળીબાર કર્યો હતો. અધિકારીએ વધુમાં કહ્યું કે, "આ વાહનોમાં મુસાફરી કરી રહેલા બે પુરુષો અને બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બંને વાહનોના વિન્ડશિલ્ડ (આગળના કાચ) પર ગોળીઓના નિશાન જોવા મળ્યા હતા."
એક દિવસ પહેલા બે જૂથો વચ્ચે અથડામણ
આ ઘટનાના એક દિવસ પહેલા ગુરુવારે કાંગપોકપી જિલ્લામાં પણ શંકાસ્પદ ઉગ્રવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં એક કુકી મહિલાનું મોત થયું હોવાનું વહીવટી અધિકારીએ જણાવ્યું હતું. આ ઘટનામાં અન્ય બે પુરુષો પણ ઘાયલ થયા હતા. ગોળીબારની આ ઘટના સવારે લગભગ 11:00 વાગ્યે તાફોઉ કુકી (Taphou Kuki) ગામ અને પાડોશી સેનાપતિ જિલ્લામાં આવેલા કૈલેંગજાંગ (Kailengjang) વચ્ચે બની હતી, જ્યાં ઉગ્રવાદીઓના બે જૂથો સામસામે આવી ગયા હતા.
તાફોઉ કુકી ગામની એક મહિલા જે નજીકના ખેતરમાં કામ કરી રહી હતી, તે ગોળી વાગવાથી મૃત હાલતમાં મળી આવી હતી. મૃતકની ઓળખ ચોંગલોઈ (43 વર્ષ) તરીકે થઈ છે; જ્યારે તેનો મૃતદેહ મળી આવ્યો ત્યારે તેના હાથમાં હજુ પણ દાતરડું હતું. સ્થાનિક રહેવાસીઓ અને સુરક્ષા દળોએ મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ અથડામણ દરમિયાન એસ. ડેવિડ ચોંગલોઈ (34 વર્ષ) અને લામખોચોન ચોંગલોઈ (46 વર્ષ) નામના બે પુરુષો ઘાયલ થયા હતા, જેમને કાંગપોકપી જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના મંત્રી નેમચા કિપજેને આ ઘટનાની તાત્કાલિક, સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. એક નિવેદનમાં તેમણે મહિલાની હત્યાની સખત શબ્દોમાં નિંદા કરી છે.