મણિપુરના ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં સેનાના કાફલા સાથે એક મોટો અકસ્માત થયો. સૈનિકોને લઈ જતું એક લશ્કરી વાહન કાબુ ગુમાવીને ઇટમ નદીમાં પડી ગયું. આ અકસ્માતમાં સેનાના એક કેપ્ટનનું મોત થયું છે, જ્યારે ત્રણ અન્ય સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.


સૈનિકોને લઈ જતું વાહન નદીમાં પડી ગયું

મળતી માહિતી અનુસાર, બુધવારે બપોરે 2 વાગ્યાની આસપાસ ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના લામલાઈ ચલ્લાઉ વિસ્તારમાં આ અકસ્માત થયો. 8મી બિહાર રેજિમેન્ટના સૈનિકોને લઈ જતું એક લશ્કરી વાહન અચાનક કાબુ ગુમાવી બેઠું અને ઇટમ નદીમાં પડી ગયું. અકસ્માત એટલો ગંભીર હતો કે વાહન થોડા સમય માટે નદીના પાણીમાં ડૂબી ગયું. આ ઘટનાથી વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.


બચાવ બાદ સૈનિકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા

અકસ્માતની જાણ થતાં જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. બચાવ કામગીરી બાદ, વાહનમાં રહેલા તમામ ઘાયલ સૈનિકોને બહાર કાઢીને સારવાર માટે BABINA હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોએ કેપ્ટન હનુમાન રામ (29) ને મૃત જાહેર કર્યા. અકસ્માતમાં તેમનો જીવ બચાવી શકાયો ન હતો.


ત્રણ સૈનિકોની હાલત ગંભીર

અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય ત્રણ સૈનિકોની ઓળખ માલી જયેશ હિંમત (24), રાકેશ સરપતે (37) અને અગ્નિવીર અખિલેશ કુમાર શાહ (19) તરીકે થઈ છે. ત્રણેય સૈનિકો ગંભીર રીતે ઘાયલ છે અને તેમને હોસ્પિટલમાં ડોકટરોની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. આ અકસ્માતમાં યુવાન કેપ્ટનના મૃત્યુથી સેનામાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.


આ પણ વાંચો: Cyclone અકવાનને લઈને મોટો ખતરો! અશ્વિની વૈષ્ણવે રેલવે વ્યવહારને લઈને આપ્યા આદેશ