મણિપુરમાં જાતીય હિંસાનો સિલસિલો શમવાનું નામ નથી લઈ રહ્યો. કામજોંગ જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં નાગા અને કુકી બંને સમુદાયોના 28 ઘરોને આગ લગાવી દેવામાં આવી છે. શંકાસ્પદ ઉગ્રવાદીઓના હુમલાને કારણે સ્થાનિક રહેવાસીઓ પોતાના ઘર છોડીને જંગલો અથવા લશ્કરી છાવણીઓમાં આશરો લેવા મજબૂર બન્યા છે. મણિપુરના નાયબ મુખ્યમંત્રીએ આ ઘટનાની નિંદા કરી છે અને વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાના નિર્દેશ આપ્યા છે.


અધિકારીઓના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે કામજોંગ જિલ્લાના ચસાદ ગામમાં શંકાસ્પદ ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો અને કુકી સમુદાયના ઓછામાં ઓછા 15 ઘરોને આગ લગાવી દીધી હતી. તે જ દિવસે આ ગામ પર થયેલા અગાઉના હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ગોળીબારમાં અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા. ઉખરુલ જિલ્લામાં એક કાર પર ગોળીબાર થતાં બે લોકો ઘાયલ થયા હતા.


નાગા સમુદાયના 13 ખાલી ઘરોને આગ લગાવાઈ

પોલીસે જણાવ્યું હતું કે શંકાસ્પદ ઉગ્રવાદીઓએ નાગા અને કુકી બંને સમુદાયોની વસાહતોને નિશાન બનાવી હતી. રવિવારે, અજાણ્યા બદમાશોએ મ્યાનમાર સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા પિલોંગ અને સ્કિપ ગામોમાં નાગા સમુદાયના ઓછામાં ઓછા 13 ખાલી ઘરોને આગ લગાવી દીધી હતી. મ્યાનમાર સરહદ નજીક આવેલા નાગા ગામો જેમાં પિલોંગનો પણ સમાવેશ થાય છે. ત્યાં અગાઉ થયેલા હુમલાઓને પગલે આ ઘરો ખાલી પડી ગયા હતા.


ફેબ્રુઆરીથી વંશીય સંઘર્ષોમાં 50થી વધુ લોકોના મોત

રવિવારે સવારે એક અન્ય ઘટનામાં, ઉખરુલ જિલ્લાના લિટાન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા NH-202 પર ગ્વાલતાબી અને મહાદેવા વચ્ચે જઈ રહેલી એક કાર પર અજાણ્યા સશસ્ત્ર બદમાશોએ ગોળીબાર કર્યો હતો, જેમાં બે લોકો ઘાયલ થયા હતા. ફેબ્રુઆરી મહિનાથી તમેંગલોંગ, કામજોંગ, ઉખરુલ, કાંગપોકપી અને નોની જિલ્લાઓમાં થયેલા વંશીય સંઘર્ષોમાં 50થી વધુ લોકોના જીવ ગયા છે અને ડઝનબંધ ઘરો બળીને ખાખ થઈ ગયા છે. 


નાયબ મુખ્યમંત્રીએ કાર્યવાહી માટે નિર્દેશ આપ્યા

નાયબ મુખ્યમંત્રી નેમચા કિપજેને ચસાદમાં થયેલી હિંસાની નિંદા કરી છે. તેમણે કુકી સમુદાયના સભ્યોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલ ગ્રામીણ નેતાઓ તથા વિસ્થાપિત પરિવારો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઘરોને આગ લગાડવાની ઘટનાને એક એવો ગુનો ગણાવ્યો છે જેને કોઈપણ સંજોગોમાં સાંખી શકાય નહીં. કિપગેને જણાવ્યું હતું કે તેમણે જિલ્લા વહીવટીતંત્ર, રાજ્ય પોલીસ અને સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રહેવા, સામાન્ય નાગરિકોના જાન-માલની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને આ ઘટના માટે જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી છે.


પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ઘટનાના પગલે સુરક્ષા વ્યવસ્થાઓ લાગુ કરવામાં આવી છે. પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે આસામ રાઈફલ્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને કામજોંગ પોલીસના સંયુક્ત દળને અસરગ્રસ્ત વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Delhi: આશુતોષ-સૌરવને જેલમાં રાખવા દિલ્હી પોલીસનું ષડયંત્ર... CJPના રત્ના સિંહે લગાવ્યા ગંભીર આરોપ