મણિપુરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ અસામાજિક તત્વો સામે ચાલી રહેલા અભિયાનમાં સુરક્ષા દળો અને મણિપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. રાજ્યના બે અલગ-અલગ જિલ્લામાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન મોટા પ્રમાણમાં હથિયારો, દારૂગોળો, સંચાર સાધનો અને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે.
https://twitter.com/manipur_police/status/2083861417279820054
રવિવારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું
પોલીસના જણાવ્યા મુજબ થૌબલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ અરાંગ નદી નજીક એકોક પાટ વિસ્તારમાં રવિવારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન છુપાવવામાં આવેલ હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં બે INSAS રાઈફલ, એક MP-5 સબ-મશીન ગન, એક SLR રાઈફલ, બે .303 રાઈફલ, આઠ મેગેઝિન, એક સ્મોક બોમ્બ અને અલગ-અલગ કેલિબરના 379 જીવતા કારતૂસનો સમાવેશ થાય છે.
તમામ છ IEDને સુરક્ષા પ્રોટોકોલ મુજબ સ્થળ પર જ નિષ્ક્રિય કરી નષ્ટ કરાયા
આ ઉપરાંત 1 ઓગસ્ટે તેંગનૌપાલ જિલ્લાના મોરેહ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ભારત-મ્યાનમાર સરહદ નજીક જંગલ વિસ્તારમાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. અહીંથી એક 9mm પિસ્તોલ, એક ડબલ બેરલ ગન, છ રેડિયો સંચાર સેટ, બે હેન્ડ ગ્રેનેડ અને છ IED (ઈમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) મળી આવ્યા હતા. સુરક્ષા દળોએ જણાવ્યું કે તમામ છ IEDને સુરક્ષા પ્રોટોકોલ મુજબ સ્થળ પર જ નિષ્ક્રિય કરી નષ્ટ કરવામાં આવ્યા હતા. જેના કારણે સંભવિત જોખમ ટાળવામાં આવ્યું હતું.
સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ અને મોનિટરિંગ અભિયાન સતત ચાલુ
અધિકારીઓના જણાવ્યા મુજબ, રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ અને મોનિટરિંગ અભિયાન સતત ચાલુ છે. જપ્ત કરાયેલા હથિયારો અને વિસ્ફોટકોના સ્ત્રોત તેમજ તેમાં સંડોવાયેલા લોકોની ઓળખ માટે તપાસ હાથ ધરાઈ રહી છે. આ પહેલાં પણ સુરક્ષા દળોએ ગુપ્ત માહિતીના આધારે વિવિધ ઓપરેશન ચલાવીને પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા 9 ઉગ્રવાદીઓની ધરપકડ કરી હતી. આ કાર્યવાહી થૌબલ, તામેંગલોંગ, કાકચિંગ, ચંદેલ, ઈમ્ફાલ વેસ્ટ અને ઈમ્ફાલ ઈસ્ટ સહિતના વિસ્તારોમાં કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Kanwar Yatra2026: પહેલીવાર કાંવડ લઈને જઈ રહ્યા છો? જાણો પદયાત્રીઓ માટે સૌથી સુરક્ષિત અને શ્રેષ્ઠ રૂટ