ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા લેટેસ્ટ અપડેટ મુજબ, દેશમાં લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા દક્ષિણપશ્ચિમ ચોમાસાનું આખરે આગમન થઈ ગયું છે. નવ દિવસના વિલંબ બાદ, આજે 4 જૂને કેરલમમાં ચોમાસાએ સત્તાવાર પ્રવેશ કર્યો છે. આ સાથે જ હવામાન વિભાગે દેશના 25 રાજ્યો માટે આગામી સાત દિવસ સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે.


ક્યાં થશે વરસાદ અને કેવી રહેશે સ્થિતિ?

હવામાન વિભાગની આગાહી મુજબ, કેરળ, કર્ણાટક અને તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. આ રાજ્યોમાં આગામી એક સપ્તાહ સુધી ભારે વરસાદનું એલર્ટ જારી રહેશે. આ ઉપરાંત, ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં પ્રી-મોન્સૂન ગતિવિધિઓ પણ વેગવંતી બની છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને ઓડિશા સહિતના રાજ્યોમાં પણ વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. ખાસ કરીને ઓડિશામાં આગામી ચાર દિવસ સુધી કરા સાથે તોફાનની ચેતવણી આપવામાં આવી છે.

દિલ્હી અને ઉત્તર ભારતમાં હવામાન

દિલ્હીમાં હવામાન વિભાગે બે દિવસ માટે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે. અહીં બે દિવસ સુધી આકાશ વાદળછાયું રહેશે અને સવાર-સાંજ હળવા વરસાદ સાથે વાવાઝોડું આવવાની શક્યતા છે. પવનની ગતિ શરૂઆતમાં 40-50 કિમી પ્રતિ કલાક રહેશે, જે બાદમાં 60 કિમી સુધી પહોંચી શકે છે. તે જ રીતે, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ બે દિવસ માટે વરસાદી ચેતવણી આપવામાં આવી છે.

ગંભીર ગરમી અને હીટવેવનું જોખમ

એક તરફ ચોમાસાનું આગમન આનંદદાયક સમાચાર લાવ્યું છે, તો બીજી તરફ હજુ પણ ઘણા રાજ્યો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. ગુજરાત, બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ રાજસ્થાનમાં તાપમાન ૪૦°C થી વધુ નોંધાઈ રહ્યું છે. IMD એ બિહાર અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ૫ થી ૯ જૂન દરમિયાન હીટવેવ (લૂ) ફૂંકાવાની આગાહી કરી છે. આ ઉપરાંત, પૂર્વોત્તર ભારતના રાજ્યો અને પશ્ચિમ બંગાળમાં પણ ગરમ અને ભેજવાળું હવામાન લોકોની મુશ્કેલી વધારશે.હવામાન વિભાગે નાગરિકોને ચેતવણી આપી છે કે આગામી સાત દિવસ દરમિયાન હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે, તેથી સુરક્ષિત રહેવું અને લેટેસ્ટ અપડેટ્સ પર નજર રાખવી અત્યંત આવશ્યક છે.

આ પણ વાંચોઃ Delhi : હોસ્પિટલમાં પિતા રાહ જોતા રહ્યા અને હોટલમાં CA વિવેક અગ્રવાલનો આખે આખો પરિવાર સળગી ગયો...


  • Follow us on: