કેન્દ્ર સરકારની આતંકવાદ સામેની 'ઝીરો ટોલરન્સ' નીતિ હેઠળ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વધુ 23 વ્યક્તિઓને સત્તાવાર રીતે આતંકવાદી જાહેર કર્યા છે. ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી આ કાર્યવાહી અંગે તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર દેશ અને નાગરિકોની સુરક્ષા માટે દરેક આતંકી નેટવર્કને સમૂળે નાબૂદ કરવા પ્રતિબદ્ધ છે. સરકારની આતંકવાદ વિરોધી નીતિ સ્પષ્ટ છે અને કોઈપણ આતંકી પ્રવૃત્તિ કે તેના સમર્થકો પ્રત્યે કોઈ નરમાઈ રાખવામાં આવશે નહીં.

https://twitter.com/HMOIndia/status/2073287695892353463

6 ભારતીય મૂળના લોકોનો સમાવેશ

ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર જાહેર કરાયેલા 23 લોકોમાં 17 પાકિસ્તાની નાગરિકો અને 6 ભારતીય મૂળના લોકોનો સમાવેશ થાય છે, જે હાલ પાકિસ્તાન અથવા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માંથી ભારત વિરોધી આતંકી પ્રવૃત્તિઓ ચલાવતા હોવાનું કહેવાય છે. આ વ્યક્તિઓ પર આતંકી હુમલાનું ષડયંત્ર રચવા, ઘૂસણખોરી કરાવવા, હથિયારો અને વિસ્ફોટકોની હેરાફેરી, ડ્રોન મારફતે શસ્ત્રો મોકલવા, આતંકવાદ માટે નાણાં એકત્રિત કરવા, યુવાઓની ભરતી કરવા તેમજ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોને મદદ કરવાનો આરોપ છે.

સોશિયલ મીડિયા મારફતે યુવાનોને ઉશ્કેરવાના આરોપ

યાદીમાં જૈશ-એ-મોહમ્મદ (JeM), લશ્કર-એ-તૈયબા (LeT), જમાત-ઉદ-દાવા (JuD), હરકત-ઉલ-મુજાહિદ્દીન (HuM), દ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF), પાકિસ્તાન મરકજી મુસ્લિમ લીગ (PMML), અલ-કાયદા અને ISIS સાથે જોડાયેલા અનેક કથિત ઓપરેટિવ્સ અને કમાન્ડરોનો સમાવેશ થાય છે. કેટલાક પર નગરોટા, પઠાણકોટ, પંપોર સહિતના આતંકી હુમલાઓમાં સંડોવણી તેમજ ડ્રોન દ્વારા હથિયારો પહોંચાડવા અને સોશિયલ મીડિયા મારફતે યુવાનોને ઉશ્કેરવાના આરોપ પણ છે.

ગૃહ મંત્રાલયનું માનવું છે કે આ કાર્યવાહીથી સંબંધિત વ્યક્તિઓના નાણાકીય નેટવર્ક, હિલચાલ, ભરતી ક્ષમતા અને અન્ય આતંકી પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ આવશે. સરકારના મતે આ પગલું આતંકવાદના સમગ્ર તંત્રને નબળું બનાવવામાં અને દેશની આંતરિક સુરક્ષાને વધુ મજબૂત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પણ વાંચો : Rajasthan: યુદ્ધના કારણે સમગ્ર દુનિયા પ્રભાવિત, સંકટ સમયે ભારતે યોગ્ય નિર્ણય લીધા: PM મોદી