મહારાષ્ટ્રમાં બહુચર્ચિત ટોરેસ જ્વેલરી મની લોન્ડ્રિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સફળતા મળી છે.આ સમગ્ર કેસના મુખ્ય આરોપીઓમાં સામેલ વિદેશી નાગરિક ઓલેક્સાન્દ્ર જાપિચેન્કો ઉર્ફે એલેક્સનું રોમાનિયાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યું છે.ઈડીની ત્રણ સભ્યોની ટીમ આરોપીને યુએઈના માર્ગે 17 નવેમ્બર 2026ના રોજ સાંજે મુંબઈ એરપોર્ટ લઈને પહોંચી હતી. ઈડીની તપાસમાં સામે આવ્યું છે કે મેસર્સ પ્લેટિનમ હર્ન પ્રાઇવેટ લિમિટેડ કંપની ટોરેસ જ્વેલરી બ્રાન્ડ હેઠળ શોરૂમ ચલાવતી હતી.આ કંપનીએ નાના રોકાણકારોને આકર્ષવા માટે એક લલચામણી રોકાણ યોજના શરૂ કરી હતી.રોકાણકારોને અસાધારણ ઊંચું વળતર આપવાની સાથે અન્ય સભ્યોને જોડવા બદલ રેફરલ બોનસની લાલચ આપવામાં આવતી હતી.આ પદ્ધતિથી કંપનીએ સામાન્ય રોકાણકારો પાસેથી મોટા પાયે નાણાં એકત્રિત કર્યા હતા. 

નફાની ખાતરી આપીને છેતરપિંડી આચરવામાં આવી

ટોરેસ જ્વેલરીના શોરૂમ મારફતે સાવ ઓછી કિંમતના દાગીના વાસ્તવિક ભાવ કરતાં અનેકગણા ઊંચા ભાવે વેચવામાં આવતા હતા.દાગીનાના વેચાણ સાથે જ રોકાણકારોને ભારે નફાની ખાતરી આપીને છેતરપિંડી આચરવામાં આવી હતી. રોકાણકારો પાસેથી મળેલા નાણાંને કંપનીના કાયદેસરના વ્યવસાયમાં વાપરવાના બદલે હવાલા ઓપરેટરો મારફતે અન્યત્ર મોકલી દેવાયા હતા. આ રકમને યુએસડીટી ક્રિપ્ટોકરન્સીમાં ફેરવીને તેના વાસ્તવિક સ્ત્રોતને છુપાવવાનો ગંભીર પ્રયાસ કરાયો હતો. ઈડીના મતે આ આખા નેટવર્કમાં ગુનાહિત પ્રવૃત્તિમાંથી મેળવેલી કુલ રકમ રૂ. 177.12 કરોડ આંકવામાં આવી છે. આ કૌભાંડમાં એલેક્સ નાણાં એકત્ર કરવા અને તેને ડાયવર્ટ કરવાના નિર્દેશ આપતો મુખ્ય સૂત્રધાર હતો.

અલ્પેશ પ્રવીણચંદ્ર ખારાની ધરપકડ કરી હતી

આ કેસમાં ઈડીએ અગાઉ 26 માર્ચ,2025ના રોજ અલ્પેશ પ્રવીણચંદ્ર ખારાની ધરપકડ કરી હતી.તપાસ એજન્સીના જણાવ્યા મુજબ અલ્પેશ ખારા સંપૂર્ણપણે ઓલેક્સાન્દ્ર જાપિચેન્કો ઉર્ફે એલેક્સના નિર્દેશો હેઠળ કામ કરતો હતો.નવી મુંબઈના વાશી સ્થિત એપીએમસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરના આધારે ઈડીએ પીએમએલએ હેઠળ તપાસ હાથ ધરી હતી.અન્ય પોલીસ મથકોમાં દાખલ થયેલી ફરિયાદોને પણ તપાસમાં સામેલ કરવામાં આવી હતી.કંપનીના રોકાણ મોડલ, નાણાકીય વ્યવહારો અને મની લોન્ડ્રિંગ નેટવર્કની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી.ત્યારબાદ ઈડીએ 22 મે 2025ના રોજ મુંબઈની વિશેષ પીએમએલએ અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી.આ પ્રોસિક્યુશન ફરિયાદ પર અદાલતે 29 જુલાઈ,2025ના રોજ ઔપચારિક સંજ્ઞાન લીધું હતું.તે સમયે આરોપી એલેક્સ ભારતમાંથી ફરાર થઈને વિદેશમાં છુપાઈ રહ્યો હતો.આથી વિશેષ અદાલતે 3 નવેમ્બર,2025ના રોજ તેની સામે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કર્યું હતું.

આર્થિક ગુનાઓ સામેની લડાઈ વધુ મજબૂત બની

આરોપીને વૈશ્વિક સ્તરે શોધી કાઢવા માટે ઈડીએ ઈન્ટરપોલનો સંપર્ક કર્યો હતો.ઈડીની રજૂઆત બાદ ઈન્ટરપોલ દ્વારા આરોપી સામે રેડ નોટિસ જારી કરવામાં આવી હતી. વૈશ્વિક એજન્સીઓના સંકલનથી ઓલેક્સાન્દ્ર જાપિચેન્કોને 23 મે,2026ના રોજ રોમાનિયામાં પકડી લેવાયો હતો.રોમાનિયાની ન્યાયિક સંસ્થાઓમાં તેના પ્રત્યાર્પણ અંગેની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.ઈડીએ રોમાનિયાના સત્તાવાળાઓના તમામ પ્રશ્નોના સમયસર જવાબો આપ્યા હતા.બુખારેસ્ટની કોર્ટે પ્રત્યાર્પણનો આદેશ આપ્યો,જેને બુખારેસ્ટ કોર્ટ ઓફ અપીલ્સે માન્ય રાખ્યો.ઈડીએ રોમાનિયા સરકાર અને એનસીબી બુખારેસ્ટનો આભાર માન્યો છે.યુએઈના અધિકારીઓએ ટ્રાન્ઝિટમાં મહત્વપૂર્ણ મદદ પૂરી પાડી હતી.સીબીઆઈની એનસીબી ઈન્ડિયા તેમજ વિદેશ મંત્રાલયની કામગીરીની ઈડીએ પ્રશંસા કરી.આ સંયુક્ત કાર્યવાહીથી સરહદ પારના સંગઠિત આર્થિક ગુનાઓ સામેની લડાઈ વધુ મજબૂત બની છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: પબુભા માણેકના નિવેદન બાદ પાટીદાર સમાજ મેદાનમાં, વરુણ પટેલે કહ્યું, એકલા હાથે ચૂંટણી લડી બતાવો