હિમાચલમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મંડીમાં આખી રાત મૂશળધાર વરસાદ થયો પરિણામે મંડીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. આ ઉપરાંત જિલ્લાના 285 રસ્તા બંધ થઇ ગયા છે. બીજી તરફ શિમલામાં પણ ભારે વરસાદને કારણે 5 માળની ઇમારત ધરાશાયી થઇ હતી. પહાડી રાજ્યોમાં સતત વરસાદને લઇને તબાહી જોવા મળી રહી છે. વાદળ ફાટવુ, લેન્ડ સ્લાઇડ થવી તથા ભારે વરસાદને કારણે રસ્તા બ્લોક થવા અને ઇમારતો ધરાશાયી થવી તેવી ઘટનાઓ બની રહી છે. ત્યારે હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના કેટલાક ભાગેમાં વધુ એકવાર વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

બે દિવસ ભારે વરસાદ
હિમાચલના શિમલા, મનાલી, કુલ્લુ, કુફરી, બિલાસપુર, ચંબા, ધર્મશાલા, હમીરપુર સહિત અનેક જિલ્લાઓમાં આગામી બે દિવસ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હિમાચલમાં જૂન મહિનામાં 135 મીમી વરસાદ પડ્યો હતો, જે સામાન્ય સરેરાશ 101 મીમી કરતા 34 ટકા વધુ છે. 1901 પછી રાજ્યમાં જૂન મહિનામાં નોંધાયેલો આ 21મો સૌથી વધુ વરસાદ હતો, જેના કારણે ઘણી તબાહી મચી ગઈ હતી.

વિવિધ જિલ્લાઓના 285 રસ્તા બંધ
રાજ્ય કટોકટી કામગીરી કેન્દ્ર અનુસાર હિમાચલમાં વરસાદથી થયેલા વિનાશ બાદ 285 રસ્તા બંધ છે. જેમાં મંડીના 129 રસ્તા અને સિરમૌરના 92 રસ્તાનો સમાવેશ થાય છે. આ સાથે, 614 ટ્રાન્સફોર્મર અને 130 પાણી પુરવઠા યોજનાઓ પણ ખોરવાઈ ગઈ છે. 20 જૂને રાજ્યમાં ચોમાસાએ પ્રવેશ કર્યો હતો અને ત્યારથી રાજ્યમાં વિવિધ ઘટનાઓમાં 34 લોકોનાં મોત થયા છે. આમાંથી 17 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે.

શિમલામાં બિલ્ડિંગ ધરાશાયી
 સોમવારે સવારે શિમલાના ભટ્ટાકુફર માઠુ કોલોનીમાં 5 માળની ઇમારત આંખના પલકારામાં જમીન દોસ્ત થઇ હોવાનું સામે આવ્યું છે. જો કે સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. કારણ કે ગત રાત્રે જ બિલ્ડિંગ ખાલી કરી દેવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ફોર લેન નિર્માણને કારણે બિલ્ડિંગની નીચે મોટી મોટી તિરાડો પડી ગઇ હતી.

બદ્રીનાથ હાઇવે પર લેન્ડ સ્લાઇડ
ઉત્તરાખંડમાં અત્યારે વરસાદી માહોલ છે. ત્યારે બદ્રીનાથ જતા ભકતોને થોડી અગવડનો સામનો કરવો પડી રહ્યો છે. બદ્રીનાથ હાઇવે ગોચર તલધારી પાસે પહાડ પરથી કાટમા ધસી આવવાને કારણે બંધ થઇ ગયો છે. સવારે પહાડ પરથી કાટમાળ બોલ્ડર હાઇવે પર પડ્યો. આ દરમિયાન ત્યાંથી પસાર થતા લોકો માંડ માંડ બચ્યા હતા. કર્ણપ્રયાગ નેનીસૈંણ મોટર માર્ગ આઇટીઆઇથી 500 મીટર આગળ પહાડ પરથી મોટો પથ્થર તૂટતા હાઇવે બંધ થયો હતો. રસ્તો બંધ હોવાને કારણે કપીરીપટ્ટીના લોકોએ ડિમ્મર સિમલી થઇને કર્ણપ્રયાગ પહોંચવુ પડશે.
  • Follow us on: