હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટના લોકોની જિંદગીઓ પર કહેર બની રહી છે. . હિમાચલમાં વાદળ ફાટવાથી આવેલી તબાહીમાં હવે 72 લોકોના મોત થઇ ચૂક્યા છે જ્યારે 37 લોકો ગુમ થયા છે. જો કે વરસાદ દરમિયાન હિમાચલની મુશ્કેલીઓ ઓછી નથી થઇ. હવામાન વિભાગે રવિવારે હિમાચલમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. જેને લઇને સીએમ સુખવિંદર સિંહ સુક્ખુએ કહ્યું કે સરકાર સંપૂર્ણ રીતે એલર્ટ છે. સાથે જ લોકોને રાહત અને બચાવ કાર્યોમાં તેજી લાવવાની વાત કહી છે.

72 લોકોના મોત, 37 ગુમ 

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાથી લગભગ 19 ઘટનાઓ અને તે બાદ આવેલા પૂરને લઇને ભારે તબાહી થઇ છે. આ ઘટનામાં અત્યાર સુધી 72 લોકોના મોત થઇ ચૂક્યા છે અને 37 લોકો ગુમ છે. હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુએ કહ્યું કે સરકાર રેડ એલર્ટને કારણે સંપૂર્ણ સતર્ક છે. તેમણે કહ્યું કે મંડીના અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે અને પીડબ્લ્યુડી મંત્રી પણ આ વિસ્તારમાં રસ્તાઓની સ્થિતિ અને સમારકામ કાર્યનો અભ્યાસ કરવા માટે રવાના થયા છે.

સિરાજ વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ વિનાશ
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં સૌથી વધુ વિનાશ સિરાજ વિધાનસભા ક્ષેત્રમાં થયો છે. આ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા જયરામ ઠાકુરનો વિધાનસભા મતવિસ્તાર છે. અત્યાર સુધીમાં અહીં લગભગ 15 લોકો મૃત્યુ પામ્યા છે અને લગભગ 30 લોકો ગુમ છે. જયરામ ઠાકુરે સરકારને કહ્યું છે કે મારા વિસ્તારમાં સૌથી વધુ વિનાશ થયો છે. સરકારે જલ્દી રસ્તાઓ ખોલવા જોઈએ અને ગરીબોને મદદ કરવા માટે રાશન પહોંચાડવું જોઈએ.


  • Follow us on: