હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ હવામાન વિભાગે લેન્ડ સ્લાઈડની ચેતવણી આપી છે. રાજ્યમાં લેન્ડ સ્લાઈડની ચેતવણીને પગલે સંવેદનશીલ 22માંથી 18 સ્થળ માટે IMDએ ચેતવણી જાહેર કરી છે. આ સ્થળો પર હાલમાં લેન્ડ સ્લાઈડનું જોખમ રહેલું છે. સતત વરસાદના કારણે લગભગ હિમાચલ પ્રદેશના 130 વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને સમગ્ર રાજ્યમાં પાણી પુરવઠાને અસર થઈ છે. ભારે વરસાદને કારણે અચાનક પૂર, ભૂસ્ખલન અને માટીનું ધોવાણ થવાના કારણે રાજ્યમાં 259 રસ્તાઓ બંધ થઈ ગયા છે.
અધિકારીઓની સાથે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું
હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન સુખવિંદર સિંહ સુક્ખુએ હવામાન વિભાગ દ્વારા વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યા બાદ મંડી, કાંગડા, સોલાન અને સિરમોર જિલ્લાના તંત્રને 30 જૂને સ્કુલ બંધ રાખવાનો નિર્દેશ આપ્યો હતો. મંત્રી જગત સિંહ નેગીએ વાતચીત કરતા કહ્યું કે ચોમાસાને લઈ પહેલા જ બેઠક યોજાઈ હતી, તેના સંદર્ભમાં સમીક્ષા બેઠક આજે કરવામાં આવી. આ દરમિયાન અલગ અલગ વિભાગોના અધિકારીઓની સાથે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું અને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી અને જ્યાં તૈયારીઓની જરૂર છે, તેને લઈને નિર્દેશ આપવામાં આવ્યા છે.
જાન-માલને નુકસાન, રેલવે સેવાઓ પ્રભાવિત
ભારે વરસાદને કારણે માત્ર રસ્તાઓ જ નહીં પણ રેલવે માર્ગ પણ પ્રભાવિત થયો છે. શિમલા-કાલકા રેલવે લાઈન પર વૃક્ષ પડવા અને કાટમાળને કારણે રેલવે સેવાઓ ઘણા કલાકો સુધી બંધ રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3 લોકોના મોત થયા છે. આ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થઈ ચૂક્યા છે. બિલાસપુર અને ઉનામાં બે લોકોના ડૂબવાના કારણે મોત થયા છે, ત્યારે શિમલામાં એક વ્યક્તિનું મોત થયું છે. શિમલા-કાલકા નેશનલ હાઈવે પર કોટીની પાસે લેન્ડ સ્લાઈડ થયું છે, કાટમાળ રસ્તા પર પડવાના કારણે ઘણા કલાકો સુધી લાંબો ટ્રાફિકજામ લાગ્યો છે.