કાંગડામાં કુલ ક્ષતિગ્રસ્ત ઘરોની સંખ્યા વધીને 18 થઈ છે. હવામાન વિભાગે સતર્ક રહેવા જણાવ્યુ છે. 

ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઇ 

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાની બોહ ખીણમાં રાતોરાત પડેલા વરસાદથી વધુ 12 ઘરોને નુકસાન થયું અને ત્રણ લોકો ઘાયલ થયા છે. ખીણમાં કુલ ક્ષતિગ્રસ્ત ઘરોની સંખ્યા વધીને 18 થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ચંબા, કાંગડા, મંડી, શિમલા, સિરમૌર અને કુલ્લુ જિલ્લાના કેટલાક ભાગોમાં અચાનક પૂર અને ભારે વરસાદની ચેતવણી આપી છે. ખીણના સપેદી અને ગારૂન ગામોમાં વાદળ ફાટવાથી અચાનક પૂર આવ્યું અને મોટા પ્રમાણમાં કાટમાળ વહેવા લાગ્યો હતો. 

ઓરેન્જ અને યેલ્લો એલર્ટ કરાયુ જાહેર 

અહેવાલો અનુસાર, સ્થાનિક લોકોએ ટેકરીઓમાંથી જોરદાર વિસ્ફોટ જેવો અવાજ સાંભળ્યો હતો, ત્યારબાદ પાણી, કાદવ અને મોટા પથ્થરોનો વરસાદ પડ્યો હતો. શિમલા હવામાન કેન્દ્રે બુધવારે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં કાંગડા અને મંડી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચંબા, કુલ્લુ, શિમલા, સોલન અને સિરમૌર જિલ્લાના કેટલાક ભાગો માટે યેલ્લો એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. જેમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઓછીથી મધ્યમ તીવ્રતાનું પૂર આવવાની સંભાવના

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, આગામી 24 કલાક દરમિયાન ચંબા, કાંગડા, મંડી, શિમલા, સિરમૌર અને કુલ્લુ જિલ્લાના કેટલાક કેચમેન્ટ વિસ્તારો અને આસપાસના વિસ્તારોમાં ઓછી થી મધ્યમ તીવ્રતાનું પૂર આવવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે વરસાદ 27 જુલાઈ સુધી ચાલુ રહેવાની શક્યતા છે. અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે ડિબ્બા અને માનેડ નાલા વિસ્તારોમાં ભૂસ્ખલન પણ થયું છે, જેના કારણે બચાવ ટીમો અને વહીવટી અધિકારીઓ માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં પડી રહેલા મુશળધાર વરસાદને કારણે રાજ્યભરમાં અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. વહીવટીતંત્રે લોકોને ઘરની અંદર રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે.

આ પણ વાંચોઃ કેદારનાથનો પગપાળા માર્ગ લેન્ડસ્લાઇડ બાદ બંધ, IMD દ્વારા યલો એલર્ટ કરાયુ જારી