સમગ્ર દેશમાં ચોમાસું સંપૂર્ણ પણે સક્રિય થઇ ગયુ છે. દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે દેશના 17 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની ચેતવણી જાહેર કરી છે.તો કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે.
દિલ્હી એનસીઆર અને ઉત્તર ભારતમાં વરસાદી માહોલ
દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ યથાવત છે. નોઈડા, ગુરુગ્રામ, ગાઝિયાબાદ અને ફરીદાબાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 8 ઓગસ્ટ સુધી આકાશ વાદળછાયું રહેશે અને સમયાંતરે હળવો થી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.
વિવિધ રાજ્યોમાં એલર્ટ અને સ્થિતિ
ઉત્તરાખંડ: સતત વરસાદને કારણે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વહીવટીતંત્રને હાઇ એલર્ટ પર રાખ્યું છે. દેહરાદૂન, ચમોલી અને બાગેશ્વર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સલામતીના ભાગરૂપે ચમોલી અને બાગેશ્વરમાં ધોરણ 12 સુધીની શાળાઓ બંધ રાખવામાં આવી છે.
જમ્મુ અને કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટના
ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓને કારણે ઉરી અને કુલગામમાં અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ છે.લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. આ સિવાય કોઇ કામ વગર ઘરની બહાર ન નીકળવા અને સલામત સ્થળે ખસી જવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
યુપીના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
યુપીના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અને પશ્ચિમ યુપીના 20 જિલ્લાઓમાં યલો એલર્ટ છે. બિહારમાં પણ 6 થી 8 ઓગસ્ટ દરમિયાન પટણા સહિત અનેક સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા પવનો આ પરિસ્થિતિ માટે જવાબદાર છે.કોંકણ અને ગોવામાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત કેરળ, આસામ, ગુજરાત (નવસારી) સહિતના વિસ્તારોમાં પણ પૂર અને વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને નદીઓ, નાળાઓ અને નીચાણવાળા પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહેવા તથા બિનજરૂરી મુસાફરી ટાળવા ખાસ અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ CJP વિદ્યાર્થીઓના મુદ્દાઓ માટે રાષ્ટ્રીય નેટવર્ક બનાવશે, શિક્ષણ સુધારણા અને પારદર્શિતા પર રહેશે ફોકસ