ભારતીય અર્થતંત્ર સતત આગળ વધી રહ્યું છે અને વિશ્વ બેંક તથા IMF જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ ભારતની વિકાસ ગાથાને સ્વીકારી છે. તેમ છતાં, દેશના અનેક મોટા રાજ્યો માટે આ વિકાસની ગતિ સાથે દેવાનો ભાર પણ ઝડપથી વધી રહ્યો છે. નાણાકીય વર્ષ 2025 માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના આંકડા દર્શાવે છે કે ઘણા રાજ્યોમાં આવકનો મોટો ભાગ માત્ર વ્યાજ ચૂકવણીમાં જ વપરાઈ જાય છે, જેના કારણે વિકાસકામ માટે નાણાંની તંગી સર્જાય છે.
પશ્ચિમ બંગાળ – સૌથી વધુ દેવાગ્રસ્ત રાજ્ય
પશ્ચિમ બંગાળ આ યાદીમાં પ્રથમ સ્થાને છે. રાજ્યને નાણાકીય વર્ષ 2025 દરમિયાન કર અને બિન-કર આવક તરીકે આશરે ₹1.09 લાખ કરોડ મળ્યા હતા. પરંતુ તેમાંમાંથી ₹45,000 કરોડથી વધુ રકમ માત્ર વ્યાજ ચુકવણીમાં જ ખર્ચાઈ ગઈ. એટલે કે રાજ્યની કુલ આવકનો લગભગ 42% હિસ્સો દેવાના વ્યાજમાં ગયો.
પંજાબ અને બિહાર
પંજાબ બીજા ક્રમે છે. રાજ્યની કુલ આવક ₹70,000 કરોડ હતી, જેમાંથી આશરે ₹24,000 કરોડ (34%) વ્યાજ ચુકવણીમાં વપરાયા. બિહાર ત્રીજા ક્રમે છે, જ્યાં ₹62,000 કરોડની આવકમાંથી ₹21,000 કરોડ એટલે કે લગભગ 33% વ્યાજ ચૂકવણીમાં ગયા.
કેરળ અને તમિલનાડુ
કેરળે ₹1.03 લાખ કરોડની આવક એકત્ર કરી, જેમાંથી ₹29,000 કરોડ (28%) વ્યાજ ચુકવણીમાં ખર્ચાયા. તમિલનાડુ પાસે દેશની સૌથી વધુ કર આવક હોવા છતાં તે પણ દેવાના બોજ હેઠળ છે. રાજ્યએ તેની આવકમાંથી ₹62,000 કરોડ (28%) વ્યાજ ચૂકવ્યા.
હરિયાણા, રાજસ્થાન અને આંધ્રપ્રદેશ
હરિયાણાએ ₹94,000 કરોડની આવકમાંથી ₹25,000 કરોડ (27%) વ્યાજ ચૂકવ્યા. રાજસ્થાને ₹1.48 લાખ કરોડની આવક સામે ₹38,000 કરોડ વ્યાજ ચૂકવ્યા. આંધ્રપ્રદેશે ₹1.2 લાખ કરોડની આવક પર ₹29,000 કરોડ વ્યાજ ચૂકવ્યા.
મધ્યપ્રદેશ અને કર્ણાટક
મધ્યપ્રદેશે ₹1.23 ટ્રિલિયન આવક સામે ₹27,000 કરોડ (22%) વ્યાજ ચૂકવ્યા. કર્ણાટક દસમા ક્રમે છે, જ્યાં ₹2.03 ટ્રિલિયન આવકમાંથી ₹39,000 કરોડ (19%) વ્યાજ ચુકવણીમાં ગયા.
આ દેવાનો પ્રભાવ શું છે?
આટલો મોટો વ્યાજ ખર્ચ થવાથી રાજ્યો માટે રસ્તા, શાળાઓ, આરોગ્ય સેવાઓ, રોજગાર યોજનાઓ અને નવા વિકાસ પ્રોજેક્ટ્સ માટે પૂરતા ભંડોળ ઉપલબ્ધ રહેતા નથી. લાંબા ગાળે આ દેવાનો ભાર આર્થિક સ્થિરતા માટે ચિંતાજનક બની શકે છે. ભારતની અર્થવ્યવસ્થા ભલે મજબૂત બની રહી હોય, પરંતુ રાજ્યોનું વધતું દેવું વિકાસ માટે મોટો પડકાર છે. આવક વધારવા સાથે ખર્ચનું યોગ્ય આયોજન અને દેવા પર નિયંત્રણ લાવવું સમયની જરૂરિયાત છે.
આ પણ વાંચો : world economy budget : વિશ્વના મોટા દેશોનું બજેટ, કોણ ખર્ચે છે સંરક્ષણ પર અને કોણ આરોગ્ય પર? જાણો