મધ્ય પ્રદેશની 374 શહેરી સંસ્થાઓમાં ત્રણ વર્ષ દરમિયાન રૂ.1,134 કરોડની ખરીદીનું વિષ્લેષણ સરકારી ખરીદી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરી રહ્યું છે. એક લિટર ફિનાઈલની કિંમત ક્યાંક રૂ.5 તો ક્યાંક રૂ.33,500 નોંધાઈ. 60 વોટની LED લાઇટ પણ અલગ-અલગ જગ્યાએ રૂ.306 અને રૂ.11,800 માં ખરીદવામાં આવી.આ સરકારી ખરીદીના આંકડાઓએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. ક્યાંક એક લિટર ફિનાઇલની કિંમત રૂ.5 નોંધાઈ તો ક્યાંક આ જ પ્રકારના ઉત્પાદન માટે રૂ.33,500 ખર્ચવામાં આવ્યા.જ્યારે ભોપાલમાં આ જ ક્ષમતાની લાઇટની કિંમત રૂ.11,800 નોંધાઈ. કચરાની ગાડીઓની ખરીદીમાં પણ બે લાખ અને છ લાખ રૂપિયા સુધીનો મોટો તફાવત સામે આવ્યો છે. આ આંકડા સામે આવ્યા બાદ સરકારી નાણાંથી સામાન ખરીદતી વખતે કિંમતોની સરખામણી અને દેખરેખ કેટલી ગંભીરતાથી કરવામાં આવી તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.

શહેરી વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ (ACS) સંજય દુબેનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ શહેરી સંસ્થાઓની ખરીદી પ્રક્રિયા પર સવાલો ઉઠાવતા અધિકારીઓને કડક ચેતવણી આપતા જોવા મળે છે. બેઠકમાં MPSEDC ના એડિશનલ એમડી અંશુમાન રાજ દ્વારા રજૂ કરાયેલા વિશ્લેષણના આધારે ખરીદીના દરોમાં સામે આવેલા આ મોટા તફાવતની માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે હવે અસામાન્ય કિંમતો અને ખરીદીમાં ગેરરીતિઓને કોઈપણ સંજોગોમાં નજરઅંદાજ કરવામાં નહીં આવે.


ડમ્પર, સ્ટ્રીટ લાઇટ અને ડિસઇન્ફેક્ટન્ટ પાછળ પણ કરોડોનો ખર્ચ

પ્રેઝન્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન અલગ-અલગ મદો હેઠળ થયેલા ખર્ચની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી. જેમાં ગાર્બેજ ટિપર અને ડમ્પરની ખરીદી પાછળ આશરે રૂ.65 કરોડ, સ્ટ્રીટ લાઇટ પાછળ રૂ.49 કરોડ, ઓક્ટોગોનલ પોલ પાછળ રૂ.27 કરોડ અને ડિસઇન્ફેક્ટન્ટ પાછળ આશરે રૂ.18 કરોડ ખર્ચાયા હોવાની માહિતી સામે આવી છે. આ તમામ સામગ્રી શહેરી સંસ્થાઓના રોજિંદા કામકાજ સાથે જોડાયેલી છે. કચરો ઉપાડતી ગાડીઓથી લઈને રસ્તાઓની લાઈટિંગ અને સફાઈમાં વપરાતા ઉત્પાદનો સુધી, આ તમામની ખરીદી પાછળ મોટો ખર્ચ કરવામાં આવે છે. આથી તેમના દરોની સરખામણી, ગુણવત્તાની ચકાસણી અને ચુકવણી પર દેખરેખ રાખવી અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. જો સામાન યોગ્ય અને વાજબી ભાવે ખરીદવામાં આવે, તો સરકારી નાણાંની મોટી બચત થઈ શકે છે. તેનાથી વિપરીત, જો સમાન ઉત્પાદન માટે યોગ્ય કારણ વગર વધુ નાણાં ચૂકવવામાં આવે, તો સરકારી તિજોરી પર વધારાનો બોજ પડે છે. આવા સંજોગોમાં ખરીદીના આંકડાઓનું નિયમિત વિશ્લેષણ અને અલગ-અલગ સંસ્થાઓના દરોની સરખામણી કરવી અનિવાર્ય ગણાય છે.

સંજય દુબેની ચેતવણી, હવે ખરીદીમાં ગેરરીતિ સામે થશે કાર્યવાહી

શહેરી વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ (ACS) સંજય દુબેએ બેઠકમાં અધિકારીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો કે વિભાગ પાસે એ વાતની તમામ માહિતી છે કે કઈ શહેરી સંસ્થા કયો સામાન કયા ભાવે ખરીદી રહી છે. તેમણે જણાવ્યું કે ગયા વર્ષે આવા કેસોમાં છૂટછાટ આપવામાં આવી હતી પરંતુ હવે ખરીદીમાં કોઈ પણ ગેરરીતિ જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.તેમણે અધિકારીઓને ચેતવણી આપતાં કહ્યું કે આવી ભૂલો હવે કોઈપણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે. હવે મુખ્ય સવાલ એ છે કે આટલા મોટા ભાવફેર પાછળના વાસ્તવિક કારણો શું હતા અને શું સંબંધિત ખરીદીમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું? જો ઉત્પાદનોની ગુણવત્તા અને ખરીદીની શરતો એકસમાન હતી, તો કિંમતોના આટલા મોટા તફાવત માટે જવાબદારી નક્કી કરવી જરૂરી બનશે. બીજી તરફ જો તફાવત પાછળ કોઈ ટેકનિકલ કે અન્ય માન્ય કારણો હતા તો તેનો સ્પષ્ટ રેકોર્ડ પણ સામે આવવો જોઈએ.

મંત્રી પ્રતિમા બાગરી -ગેરરીતિ સહન નહીં થાય

આ મામલે શહેરી વહીવટ રાજ્યમંત્રી પ્રતિમા બાગરીએ કહ્યું કે સંજય દુબેનો જે વીડિયો વાયરલ થયો છે તેની પુષ્ટિ કરી સમગ્ર મામલાની તપાસ પણ કરાશે. તપાસમાં અનિયમિતતા જણાશે તો સંબંધિત લોકો સામે કડક કાર્યવાહી પણ થશે. ભૂતકાળમાં પણ નગરપાલિકાઓ અને નગર પરિષદોમાં અનિયમિતતાઓ સામે આવવા પર કાર્યવાહી કરાઈ છે.તો કોંગ્રેસના આરોપો પર વળતો પ્રહાર કરતાં પ્રતિમા બાગરીએ જણાવ્યું કે કોંગ્રેસના શાસનકાળમાં ભ્રષ્ટાચાર થતો હતો પરંતુ તેની કોઈ તપાસ થતી નહોતી. તેમણે કહ્યું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવના નેતૃત્વમાં ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d