આ વર્ષે દેશમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાના હવામાન વિભાગ (IMD)ના નવા અંદાજે BMCની ચિંતા વધારી દીધી છે. આઈએમડીના જણાવ્યા અનુસાર, આ વર્ષે સામાન્ય કરતાં ઓછો એટલે કે સરેરાશના માત્ર 90 ટકા વરસાદ થવાની શક્યતા છે. આ પરિસ્થિતિને જોતાં મુંબઈમાં પાણીની તંગી ન સર્જાય તે માટે બીએમસીએ અત્યારથી જ પાણીના ટેન્કરો પર દેખરેખ વધારવા અને નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરવાનું શરૂ કરી દીધું છે.


મુંબઇમાં જળસંકટની આશંકા 

આગામી વર્ષ 2027ના ઉનાળા સુધી મુંબઈમાં પીવાના પાણીનો પુરવઠો જળવાઈ રહે તે માટે સોમવારે બીએમસીના ઉચ્ચ અધિકારીઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી. મુંબઈ પોતાની દૈનિક જરૂરિયાતો માટે સંપૂર્ણપણે વરસાદી પાણી પર નિર્ભર હોવાથી, અધિકારીઓને આગામી બે મહિના સુધી જળાશયોના કેચમેન્ટ એરિયા (જલગ્રહણ વિસ્તારો)માં થતા વરસાદ પર ઝીણવટભરી નજર રાખવા આદેશ આપવામાં આવ્યો છે.

90% વરસાદની આગાહી ચિંતાજનક - બીએમસી અધિકારી 

બીએમસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, "અત્યારથી જ કોઈ કડક પગલાં લેવા તે ઉતાવળ ગણાશે, પરંતુ 90% વરસાદની આગાહી ચિંતાજનક છે. અમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે તળાવોમાં એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ રહે, જેથી આગામી ચોમાસા સુધી મુંબઈની જરૂરિયાતો પૂરી થઈ શકે, ભલે કેચમેન્ટ એરિયામાં ઓછો વરસાદ થાય.


'અલ નીનો' અને તીવ્ર ગરમીનો બેવડો પડકાર

ઓછા વરસાદ ઉપરાંત, 'અલ નીનો' ઈફેક્ટને કારણે આ વર્ષે સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની સંભાવનાએ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. જો ઓક્ટોબર મહિનામાં આકરી ગરમી પડશે, તો તળાવોનું પાણી ઝડપથી વરાળ બનીને ઉડી જશે (બાષ્પીભવન થશે), જેના કારણે 2027ના ઉનાળામાં સ્થિતિ વધુ નાજુક બની શકે છે.

પરિસ્થિતિને પહોંચી વળવા BMCની રણનીતિ

ટેન્કરોના સંચાલન પર કડક નિયંત્રણ: બીએમસી મુંબઈના અલગ-અલગ વોટર ફીલિંગ પોઈન્ટ્સ પર ટેન્કરોની કડક દેખરેખ રાખશે, જેથી પાણીની માંગ વધવા છતાં પણ કોઈ ગેરકાયદેસર રીતે કિંમતો વધારી ન શકે અને દરેકને સમાન રીતે પાણી મળી રહે.

નાગરિકો માટે એડવાઈઝરી: પાણીના બગાડને અટકાવવા માટે ટૂંક સમયમાં જ વહીવટીતંત્ર દ્વારા માર્ગદર્શિકા (એડવાઈઝરી) બહાર પાડવામાં આવશે.

10 ટકા પાણી કાપ યથાવત: મુંબઈમાં ગત 15 મેથી લાગુ કરાયેલો 10% પાણી કાપ હાલ પૂરતો ચાલુ રહેશે. આગામી બે-ત્રણ મહિના સુધી જળાશયોની સ્થિતિ જોયા બાદ જ પાણી કાપ વધારવો કે નહીં તેનો નિર્ણય લેવાશે.

મુંબઈની જીવાદોરી: સાત તળાવોની વર્તમાન સ્થિતિ

મુંબઈ પાસે પીવાના પાણીનો કોઈ વૈકલ્પિક મોટો સ્ત્રોત નથી. શહેરની રોજની તરસ છિપાવવા માટે આ 7 જળાશયો પર નિર્ભર રહેવું પડે છે:

  • અપર વૈતરણા (Upper Vaitarna)
  • મોડક સાગર (Modak Sagar)
  • તાનસા (Tansa)
  • મિડલ વૈતરણા (Middle Vaitarna)
  • ભત્સા (Bhatsa)
  • વિહાર (Vihar)
  • તુલસી (Tulsi)

પાણીના સંગ્રહના મુખ્ય આંકડા:

  • કુલ સંગ્રહ ક્ષમતા: 14.47 લાખ મિલિયન લીટર
  • દૈનિક સપ્લાય: આશરે 3,950 મિલિયન લીટર (MLD)
  • વર્તમાન સ્ટોક (મંગળવાર સુધી): કુલ ક્ષમતાના માત્ર 15 ટકા (આશરે 2.21 લાખ મિલિયન લીટર)

આ સાતેય તળાવોની કુલ ક્ષમતાના દરેક 1% પાણીથી મુંબઈની 3 દિવસની જરૂરિયાત પૂરી થાય છે. આ ગણતરી મુજબ, હાલનો 15% પાણીનો જથ્થો આગામી 45 દિવસ સુધી ચાલી શકે તેમ છે. જો ચોમાસાના શરૂઆતના બે મહિનામાં સારી પ્રી-મોન્સૂન કે નિયમિત વરસાદી પ્રવૃત્તિ થઈ જાય, તો ઓછો વરસાદ હોવા છતાં મુંબઈ મુશ્કેલીમાંથી બચી જશે. 


આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?

  • Follow us on: