દરિયા કાંઠે વસેલા મુંબઇની સ્થિતિ દરિયા જેવી જ જાણે કે થઇ ગઇ છે. મુંબઇ શહેર આખુ પાણી પાણી થયુ છે. રોડ રસ્તા પર તો વરસાદી પાણીએ ડેરો જમાવ્યો છે. પૉશ વિસ્તારથી લઇને પછાત વિસ્તારોમાં રોડ રસ્તા, ગલિઓમાં પાણી પાણી જ છે. વરસાદથી મુંબઇના હાલ બેહાલ થઇ ગયા છે લોકોએ ઘરમાં જ રહેવુ પડે તેવી સ્થિતિ છે. શાળા કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે જ્યારે ખાનગી કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ. સરકારી કચેરીઓ પણ બંધ છે. ત્યારે આગામી 3 કલાક મુંબઇ માટે ભારે હોવાનું હવામાન વિભાગનું કહેવુ છે.
હવામાન વિભાગની નવી આગાહી
હવામાન વિભાગે મહારાષ્ટ્રને લઇને નવુ એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગે પુણે જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણ કલાકમાં મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ અને પુણેના ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
ટ્રેન સેવા પ્રભાવિત
મહત્વનું છે કે મુંબઇમાં દર ચોમાસે આ સ્થિતિ હોય છે. રોડ રસ્તામાં ડૂબી ગયા છે. મુંબઈ વિસ્તારમાં ભારે વરસાદ અને પાણી ભરાઈ જવાને કારણે, CSMT અને થાણે સ્ટેશન વચ્ચે મુખ્ય લાઇન ટ્રેન સેવાઓ આગામી સૂચના સુધી બંધ કરવામાં આવી છે. થાણે અને કરજત, ખોપોલી અને કસારા સ્ટેશનો વચ્ચે શટલ સેવાઓ ચલાવવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રમાં વરસાદથી 12ના મોત
મહારાષ્ટ્રમાં વરસાદને કારણે 12 લોકોના મોત થયા છે. નાંદેડ જિલ્લામાં પૂરને કારણે 9 લોકોના મોત થયા છે. મુંબઈમાં દિવાલ પડવાથી એક વ્યક્તિનું મોત થયું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી ગિરીશ મહાજને જણાવ્યું હતું કે રાજ્યના અન્ય ભાગોમાંથી વધુ બે લોકોના મોત થયા છે.









