મુંબઇમાં હવે કબૂતરોને દાણા નાંખવા સામે પ્રતિબંધ ફરમાવાયો છે અને 51 જેટલા કબુતરખાના બંધ કરી દેવાયા છે. મહારાષ્ટ્ર સરકારે આપેલા નિર્દોશ પછી અને બોમ્બે હાઈકોર્ટના આદેશ પછી બૃહદ મુંબઇ મહાનગરપાલિકાએ હવે દાદર કબૂતરખાનામાં કબૂતરોને દાણા નાખવા પર સત્તાવાર પ્રતિબંધ મૂક્યો છે. BMC એ 2 ઓગસ્ટે કાર્યવાહી કરી દાદર કબૂતરખાનાને મોટી પ્લાસ્ટિકથી ઢાંકી દીધું છે.


મુખ્ય કારણ આરોગ્ય સંબંધિત ગંભીર જોખમો

આ પ્રતિબંધનું મુખ્ય કારણ આરોગ્ય સંબંધિત ગંભીર જોખમો છે. કબૂતરોના વિસર્જન (મલમૂત્ર)થી શ્વાસ સંબંધિત રોગો અને ચેપ થવાની શક્યતા રહે છે, ખાસ કરીને ભીડભાડવાળા શહેરી વિસ્તારોમાં આ જોખમ ખુબ જ વધી જાય છે જેના કારણે BMC એ હાઈકોર્ટના આદેશને અનુસરીને દાદર કબૂતરખાનામાં આવેલા ગેરકાયદેસર માળખાને હટાવ્યા હતા અને કબૂતરોને નાખવા માટે મૂકવામાં આવેલા અનાજને જપ્ત કરવામાં આવ્યું હતું.

100થી વધુ લોકોને દાણા નાખવા બદલ દંડિત કર્યા

પ્રતિબંધ લાગૂ થયા પછી BMCએ દાદર કબૂતરખાનામાં 100થી વધુ લોકોને દાણા નાખવા બદલ દંડિત કર્યા છે. બોમ્બે હાઈકોર્ટ દ્વારા BMCને આ આદેશનું ઉલ્લંઘન કરનારા સામે FIR દાખલ કરવાની અને પુનરાવર્તિત ઉલ્લંઘન પર કાયદેસર કાર્યવાહી કરવાની છૂટ આપવામાં આવી છે, જેમાં ધરપકડ સુધીની જોગવાઈ પણ સામેલ છે.

વિવિધ સ્થળો પર સીસી ટીવી કેમેરા લગાવાયા

BMCને આ અભિયાનમાં મુંબઈ પોલીસ દ્વારા સહકાર આપવામાં આવ્યો છે. લોકો કબૂતરોને દાણા નાખે છે તેવા સ્થળો આઇડેન્ટીફાઇ કરીને ત્યાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. સ્થાનિક લોકો ધાર્મિક અને સાંસ્કૃતિક આધારોનો ઉલ્લેખ કરીને BMCની આ કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે. જોકે, BMCનો દાવો છે કે તે જાહેર આરોગ્ય અને સફાઈને પ્રાથમિકતા આપીને હાઈકોર્ટના આદેશને લાગૂ કરી રહી છે.

તમામ મહત્વના કબૂતરખાનાઓ પર પ્રતિબંધ

આ પ્રતિબંધ દાદર સહિત મુંબઈના તમામ મહત્વના કબૂતરખાનાઓ પર લાગૂ કરવામાં આવ્યો છે અને હાઈકોર્ટે BMCને આ પ્રતિબંધને કડક રીતે અમલમાં લાવવાનો આદેશ આપ્યો છે. નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કાનૂની પગલાં લેવામાં આવી રહ્યા છે.

મુંબઈમાં કુલ 51 કબૂતરખાનાઓ

મુંબઈમાં કુલ 51 કબૂતરખાનાઓ છે, જેમાં દાદર કબૂતરખાનાનું વિશિષ્ટ સ્થાન છે. પ્રતિબંધને લઈને ઊભી થયેલી સ્થિતિ વચ્ચે, મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ મુંબઈ મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખી વિનંતી કરી છે કે પક્ષીપ્રેમી, જૈન સાધુઓ અને નાગરિકોની લાગણીઓને પણ ધ્યાનમાં લેવામાં આવે. તેમણે હાઈકોર્ટના આદેશનો આદર રાખીને કોઈ મધ્યમ માર્ગ શોધવા માટે BMCને આગ્રહ કર્યો છે.

  • Follow us on: