મહારાષ્ટ્રના મુંબઇમાં વરસાદી માહોલને કારણે શહેર જાણે કે થંભી ગયુ છે. નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે. કેટલીક જગ્યાએ તો પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. અંધેરી સબ વેમાં તો 2-3 ફૂટ પાણી ભરાઇ જતા સંપૂર્ણ બંધ કરી દેવાયો છે. ત્યારે આવો જાણીએ આગામી સમયમાં કેવું રહેશે મુંબઇનું વાતાવરણ.
યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગે જણાવ્યું કે મુંબઇ, થાણે અને પાલઘરમાં 48થી 72 કલાક માટે યલો એલર્ટ અપાયુછે. રાયગઢ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ અપાયુ છે. જ્યાં ભારે વરસાદની સંભાવના જણાઇ રહી છે. હવામાન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે સમુદ્ર કિનારે ન જવાની અપીલ કરી છે. કારણ કે સમુદ્રમાં ઊંચા ઊંચા મોજા ઉછળે તેવી સંભાવના છે.
હાઇ ટાઇડની સંભાવના
- આજે મુંબઈમાં બે વાર ભરતી આવવાની શક્યતા છે.
- પહેલી ભરતી સવારે 9:19 વાગ્યે આવી હતી, જેની ઊંચાઈ લગભગ 3.88 મીટર હતી.
- બીજી ભરતી રાત્રે 8:31 વાગ્યે આવશે, જેની ઊંચાઈ લગભગ 3.42 મીટર હોવાનો અંદાજ છે.
આ વિસ્તારો પ્રભાવિત
મહત્વનું છે કે મુંબઇમાં ભારે વરસાદને કારણે પશ્ચિમી ઉપનગરોમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. અંધેરી, મલાડ, કાંદિવલી, બોરીવલી સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. અંધેરી સબવે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે, જેના કારણે વાહનવ્યવહાર બંધ કરવો પડ્યો હતો. જોકે સવારે વરસાદ બંધ થયા બાદ ડ્રેનેજનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
પૂર્વીય ઉપનગરો ઘાટકોપર, કુર્લા અને મુલુંડમાં વરસાદની ગતિ થોડા કલાકો માટે ધીમી પડી હતી જેનાથી ચોક્કસ થોડી રાહત મળી છે. મધ્ય મુંબઈના દાદર અને પરેલ જેવા વિસ્તારોમાં પણ પરિસ્થિતિ થોડી સામાન્ય થઈ ગઈ છે.
આગામી કલાકોમાં શું આગાહી છે?
આગામી 3 કલાકમાં ફરી ભારે વરસાદ પડી શકે છે, ખાસ કરીને મુંબઈના પશ્ચિમ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં. આ ઉપરાંત હવામાન વિભાગે આજે સાંજે ભારે વરસાદ સાથે જોરદાર પવન અને વાવાઝોડાની પણ આગાહી છે. સાથે જ બપોરથી સાંજ દરમિયાન વધુ વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પરિણામે વહીવટીતંત્રએ NDRF અને BMC ટીમોને હાઇ એલર્ટ પર રાખી છે.
મુંબઇવાસીઓ ધ્યાન રાખે
વહીવટીતંત્ર અને હવામાન વિભાગે નાગરિકોને જરૂર વગર ઘરની બહાર ન નીકળવા, દરિયા કિનારે ન જવા અને પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહેવાની અપીલ કરી છે. જો વરસાદની ગતિ આવી જ રહેશે, તો આગામી સમયમાં લોકલ ટ્રેનો અને રસ્તાઓ પર ટ્રાફિક વધુ પ્રભાવિત થઈ શકે છે.
[[$googlead]]









