ઓગસ્ટ મહિનામાં વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસ પૂર્ણ થવાને આરે છે તેવામાં અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરીએ, મુંબઇની તો, મુંબઇમાં સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. લોકોને ઓફિસ અને શાળાએ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોજિંદા કામકાજ કરવું મુશ્કેલ બન્યું છે અને ટ્રાફિક વ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ છે. લોકો કલાકોના કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા છે. આ સાથે મરીન ડ્રાઇવ ખાતે હાઇટાઇડનું પણ એલર્ટ અપાયું છે. 


પડી શકે ભારેથી અતિભારે વરસાદ

ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ ચાલુ રહી શકે છે. હવામાન વિભાગે 18 અને 19 ઓગસ્ટ સુધી મુંબઈના ઘણા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. એવી આશંકા છે કે આ વિસ્તારોમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન વાવાઝોડાની પણ શક્યતા છે.

મહારાષ્ટ્રમાં પણ એલર્ટ

હવામાન વિભાગે મુંબઈ સહિત મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રના વિવિધ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. 18 થી 19 ઓગસ્ટ સુધી થાણે અને પાલઘર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે. તે જ સમયે, રત્નાગિરિ જિલ્લામાં 18 ઓગસ્ટે ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ટ્રાફિક પ્રભાવિત

ઘણા દિવસોથી સતત વરસાદને કારણે દાદર રેલ્વે સ્ટેશન પર પાણી ભરાઈ ગયું છે. પાટા સંપૂર્ણપણે વરસાદી પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે મુસાફરોને અવરજવરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે, નાલાસોપારા અને વસઈ-વિરારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ છે. સ્ટેશન રોડ, તુલીંજ રોડ, સેન્ટ્રલ પાર્ક, નગીનદાસ પાડા, અચોલે રોડ, ગાલા નગર, સંકેશ્વર નગર, નાલાસોપારા બસ ડેપો વિસ્તાર, વિવા કોલેજ વિસ્તાર અને વસઈ એવરશાઇન રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે.



  • Follow us on: