નિયતિની રમત કેવી અકલ્પનીય હોય છે તેનું જીવંત ઉદાહરણ એટલે ફાલ્ગુન બિન્નેન્ડિજક. 41 વર્ષ પહેલાં નાગપુરમાં ત્રણ દિવસના માસૂમ બાળક તરીકે ત્યજી દેવાયેલા ફાલ્ગુન આજે નેધરલેન્ડ્સના હીમસ્ટેડ (Heemstede) શહેરના મેયર છે. તમામ સુખ-સાહેબી હોવા છતાં, પોતાના મૂળ અને જૈવિક માતાને મળવાની તડપ તેમને ફરી એકવાર ભારત ખેંચી લાવી છે.
જન્મના ત્રીજા દિવસે જ ત્યજી દેવાયા હતા
10 ફેબ્રુઆરી, 1985ના રોજ જન્મેલા ફાલ્ગુનને તેના જન્મના માત્ર ત્રીજા દિવસે જ નાગપુરના 'માતૃ સેવા સંઘ' (MSS) અનાથાશ્રમની બહાર છોડી દેવામાં આવ્યા હતા. સરકારી દસ્તાવેજો મુજબ, તેમની માતા 21 વર્ષીય અપરિણીત યુવતી હતી, જેણે સામાજિક મર્યાદાઓને કારણે ભારે હૈયે પોતાના સંતાનને સંસ્થાને સોંપી દીધું હતું. સંસ્થાની એક નર્સે તે સમયના હિન્દુ માસ 'ફાલ્ગુન' પરથી આ બાળકનું નામ 'ફાલ્ગુન' રાખ્યું હતું.
નસીબ પલટાયું ડચ દંપતીએ દત્તક લીધા
અનાથાશ્રમમાં એક મહિનો રહ્યા બાદ, ફાલ્ગુનને મુંબઈ લઈ જવામાં આવ્યા, જ્યાં એક દયાળુ ડચ દંપતીએ તેમને દત્તક લીધા. તેઓ ફાલ્ગુનને નેધરલેન્ડ્સ લઈ ગયા, જ્યાં તેમનો ઉછેર એક સુખી અને સમૃદ્ધ પરિવારમાં થયો. ફાલ્ગુન કહે છે કે, "મારા માતા-પિતાએ ક્યારેય મારાથી એ વાત છુપાવી નહોતી કે હું દત્તક લીધેલું સંતાન છું."
રાજકીય સફળતા અને ભારતની મુલાકાત
નેધરલેન્ડ્સમાં શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ફાલ્ગુન જાહેર સેવામાં જોડાયા અને રાજકારણમાં પ્રવેશ કર્યો. આજે તેઓ એમ્સ્ટરડેમ નજીકના હીમસ્ટેડ શહેરના પ્રતિષ્ઠિત મેયર છે. જોકે, વર્ષ 2006માં જ્યારે તેઓ પહેલીવાર પ્રવાસી તરીકે ભારત આવ્યા, ત્યારે તેમને પોતાની ભારતીય ઓળખનો અહેસાસ થયો. લોકો તેમને ભારતીય સમજી હિન્દીમાં વાત કરતા, જેણે તેમના મનમાં પોતાના મૂળ શોધવાની જિજ્ઞાસા જગાડી.
શોધખોળ અને ભાવુક મુલાકાત
વર્ષ 2017 અને ઓગસ્ટ 2024માં ફાલ્ગુને નાગપુરની મુલાકાત લીધી. સ્થાનિક વહીવટીતંત્ર, કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરના સહયોગથી જૂના રેકોર્ડ તપાસવામાં આવ્યા. આ શોધખોળ દરમિયાન ડિસેમ્બર 2025માં એક ચમત્કાર થયો. ફાલ્ગુન તે નિવૃત્ત નર્સને મળ્યા જેમણે 41 વર્ષ પહેલાં તેમને 'ફાલ્ગુન' નામ આપ્યું હતું. આ મુલાકાત અત્યંત ભાવુક હતી, બંનેની આંખોમાં આંસુ હતા. ફાલ્ગુને જણાવ્યું કે, "જે સ્ત્રીએ મને મારી ઓળખ આપી તેને મળવું એ મારા જીવનની સૌથી યાદગાર ક્ષણ હતી."
માતાને આપવો છે પ્રેમનો સંદેશ
પોતાની જૈવિક માતા વિશે વાત કરતા ફાલ્ગુન કહે છે, "હું જાણું છું કે તે કદાચ અપરાધભાવ (Guilt) સાથે જીવતી હશે. હું ફક્ત તેને એકવાર મળીને કહેવા માંગુ છું કે 'મા, હું ઠીક છું. મારું જીવન ખૂબ સુંદર છે અને મને જે પરિવારે ઉછેર્યો તેમણે મને અઢળક પ્રેમ આપ્યો છે. તારે દુખી થવાની જરૂર નથી.'
આ પણ વાંચો: ગુજરાતના સિનિયર IAS અનુપમ આનંદની કેન્દ્રમાં બદલી, અમદાવાદ ખાતે 'IN-SPACE' ના સંયુક્ત સચિવ તરીકે નિમણૂક