મહારાષ્ટ્રના નાસિક શહેરમાં ભારતીય વાયુસેના તરફથી ભવ્ય એર-શોનું આયોજન કરવામાં આવ્યું છે. ગંગાપુર ડેમના ઉપર આકાશમાં સૂર્ય કિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા રોમાંચક યુદ્ધાભ્યાસ રજૂ કરવામાં આવ્યો, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. નાસિકમાં પ્રથમ વખત આવા એર-શોનું મોટાપાયે આયોજન થતા શહેરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.
સ્થાનિક સ્તરે અફવાઓ ફેલાઈ
એરશો દરમિયાન વાયુસેનાના વિમાનો દ્વારા આકાશમાં કરાયેલા કરતબો અને શૌર્ય પ્રદર્શનોએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. ખાસ કરીને યુવાનો અને બાળકોમાં આ કાર્યક્રમને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો. લોકો દેશની સુરક્ષા વ્યવસ્થાને નજીકથી જોવા મળતાં ગૌરવની લાગણી અનુભવી રહ્યા હતા. પરંતુ આ એર-શો બાદ ટિકિટ એન્ટ્રી ફી અંગે ચર્ચાઓ શરૂ થઈ છે.
સ્થાનિક સ્તરે એવી અફવાઓ ફેલાઈ હતી કે એરશોમાં પ્રવેશ માટે ફી લેવામાં આવી રહી છે. આ મામલે ભારતીય વાયુસેનાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ પ્રકારની માહિતી સંપૂર્ણપણે ખોટી અને ભ્રામક છે. વાયુસેનાએ કહ્યું કે નાસિક એર-શો સહિત દેશના વિવિધ ભાગોમાં યોજાતા તમામ એર-શો સંપૂર્ણપણે ફ્રી હોય છે.
સાચી માહિતી પર વિશ્વાસ રાખવા IAFની અપીલ
વાયુસેનાએ પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું કે એર-શોનો હેતુ કોઈપણ રીતે વ્યાવસાયિક નથી. આવા કાર્યક્રમો દ્વારા યુવાનોને પ્રેરણા આપવા, તેમને વાયુસેના અને દેશની રક્ષણ ક્ષમતાઓ સાથે જોડવા તેમજ દેશપ્રેમ, ગૌરવ અને જોડાણની ભાવના વિકસાવવા માટે આ આયોજન કરવામાં આવે છે. વાયુસેનાએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને સાચી માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ પણ કરી છે.
આ પણ વાંચો: ભારતે Croatiaને આપી ચેતવણી, કહ્યું ગુનેગારો સાથે કડક કાર્યવાહી કરાશે