નીટ-યુજી (NEET-UG) પેપર લીક કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની ચાર્જશીટે પરીક્ષા પ્રણાલીની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. તપાસ એજન્સીનો દાવો છે કે પેપર પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયું ન હતું પરંતુ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) માટે કામ કરતા વિષય નિષ્ણાતોએ જ પેપર લીક કરવા માટે તેમની સત્તાવાર ઍક્સેસનો દુરુપયોગ કર્યો હતો.
10 ઓગષ્ટે થશે ચાર્જશીટ પર સુનાવણી
CBI ના જણાવ્યા અનુસાર, પ્રશ્નપત્રના ગુપ્ત અનુવાદ, બેક-ટ્રાન્સલેશન અને પ્રૂફરીડિંગની પ્રક્રિયાઓ દરમિયાન વિષય નિષ્ણાતોએ પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્રના નિષ્ણાત: મનીષા ગુરુનાથ માંધારે, રસાયણશાસ્ત્રના નિષ્ણાત: પ્રહલાદ વિઠ્ઠલરાવ કુલકર્ણી (પી.વી. કુલકર્ણી), ભૌતિકશાસ્ત્રના નિષ્ણાત: મનીષા સંજય હવાલદાર. આ ત્રણેય નિષ્ણાતોએ પ્રશ્નપત્ર સંબંધિત ગોપનીય માહિતી લીક કરી હતી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ 10 ઓગસ્ટના રોજ દાખલ કરાયેલી આ ચાર્જશીટ પર સુનાવણી કરવાની છે.
ઉમેદવારોને મૌખિક રીતે જણાવવામાં આવ્યા પ્રશ્નો
સીબીઆઈની તપાસમાં ખુલાસો થયો છે કે એપ્રિલ મહિના દરમિયાન પી.વી. કુલકર્ણી અને મનીષા માંધારેએ પુણે સ્થિત પોતાના ઘરો પર ગુપ્ત "ખાસ રિવિઝન સેશન" યોજ્યા હતા. આ સત્રો દરમિયાન પ્રશ્નો, તેના ચારેય વિકલ્પો અને સાચા જવાબો ઉમેદવારોને મૌખિક રીતે ભણાવવામાં આવ્યા હતા. ડિજિટલ રેકોર્ડ ન બને તે માટે ઉમેદવારોએ આ પ્રશ્નો પોતાની નોટબુકમાં હાથથી લખ્યા હતા.
ભૌતિકશાસ્ત્રના પ્રશ્નોના ફોટોગ્રાફ પાડીને કરાયા વાયરલ
તપાસમાં જાણવા મળ્યું કે ભૌતિકશાસ્ત્રના નિષ્ણાત મનીષા હવાલદારે પુણેમાં APMA ખાતે ભૌતિકશાસ્ત્રના લેક્ચરર તેજસ હર્ષદકુમાર શાહ સાથે પ્રશ્નો શેર કર્યા હતા. ત્યારબાદ, શાહે હસ્તલિખિત નોંધોના ફોટોગ્રાફ્સ પાડીને લાતુરના રેણુકાઈ કરિયર સેન્ટરના ડિરેક્ટર પ્રોફેસર શિવરાજ મોટેગાંવકરને મોકલ્યા હતા. CBI એ એવો પણ દાવો કર્યો છે કે શાહે મનીષા હવાલદારના પતિના મોબાઈલ નંબર પર ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કર્યા હતા.
હોસ્પિટલમાં યાદ કરાવવામાં આવી પ્રશ્ન બેંક
સીબીઆઈ અનુસાર, પી.વી. કુલકર્ણી અને મનીષા માંધારેએ લાતુરના બાળરોગ નિષ્ણાત ડૉ. મનોજ ભગવાનરાવ શિરુરે સાથે મળીને ઉમેદવારોને સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં બોલાવ્યા હતા. ત્યાં પરીક્ષા પહેલાં ઉમેદવારોને આખી પ્રશ્ન બેંક યાદ કરાવી દેવામાં આવી હતી, જેથી તેઓ પરીક્ષામાં તે જ પ્રશ્નોના સાચા જવાબ આપી શકે.
તપાસમાં એ પણ સામે આવ્યું કે નાસિકના શુભમ ખૈરનારે ગુરુગ્રામના યશ યાદવનો સંપર્ક કર્યો હતો. લીક થયેલા પ્રશ્નોને પીડીએફ (PDF) ફોર્મેટમાં ફેરવીને ટેલિગ્રામ દ્વારા યશ યાદવને મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ, યશ યાદવે આ પીડીએફ જયપુરના માંગીલાલ બિવાલ (ઉર્ફે માંગીલાલ ખટિક) ને ₹10 થી ₹12 લાખમાં વેચી હતી.
કોચિંગ સંસ્થાઓ અને ટ્યુટરો સુધી પહોંચ્યું પ્રશ્નપત્ર
CBI ના જણાવ્યા અનુસાર, માંગીલાલે પ્રશ્નપત્રની નકલો છાપીને તેને પોતાના પરિવારના સભ્યો, સ્થાનિક કોચિંગ સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને ખાનગી ટ્યુટરોમાં વહેંચી દીધી હતી. આ રીતે પરીક્ષા પહેલાં જ લીક થયેલું પ્રશ્નપત્ર અનેક ઉમેદવારો સુધી પહોંચી ગયું હતું.
સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL) અને સરકારી પરીક્ષકો દ્વારા હાથ ધરાયેલા હસ્તાક્ષર વિશ્લેષણ દ્વારા મહત્વપૂર્ણ પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. દરોડા દરમિયાન જપ્ત કરાયેલી ઉમેદવારોની નોટબુકની સરખામણી 3 મેના રોજ લેવાયેલા વાસ્તવિક NEET-UG પ્રશ્નપત્ર સાથે કરવામાં આવી હતી, જેમાં પ્રશ્નો અને જવાબો બિલકુલ સમાન હોવાનું પુરવાર થયું છે.
ડિજિટલ વ્યવહારો અને રોકડ રકમ જપ્ત
તપાસ એજન્સીએ ઓનલાઈન પેમેન્ટ સંબંધિત ડિજિટલ પુરાવા પણ મેળવ્યા છે, જેમાં મનીષા હવાલદારના પરિવારના બેંક ખાતા સાથે જોડાયેલા વ્યવહારો સામે સામે આવ્યા છે. આ ઉપરાંત, ડૉ. મનોજ શિરુરેના પરિવારના સભ્ય પાસેથી ₹5 લાખની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે, જેને CBI એ તપાસમાં ખૂબ જ મજબૂત પુરા ગણાવ્યા છે.









