નેપાળમાં ચોમાસા દરમિયાન કુદરતી આફતોનો સિલસિલો યથાવત છે. 26 ઓગસ્ટ, 2026 થી દેશમાં ફરી એકવાર વિનાશક પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મનસ્લુ ટ્રેકિંગ વિસ્તારમાંથી વહેતી બુધી ગંડકી નદીમાં રવિવારે સવારે આશરે 4 વાગ્યે અચાનક પાણીનો મોટો પ્રવાહ આવતાં પૂરની ભયાનક સ્થિતિ ઊભી થઈ હતી. આ હોનારતમાં 40 થી વધુ ઘરો અને 6 ૬ મહત્વના પુલ તણાઈ ગયા છે. આ સિવાય 10 જેટલા લોકો ગુમ થયાના અહેવાલ છે અને પ્રખ્યાત ટ્રેકિંગ રૂટ પર આશરે 150 જેટલા પ્રવાસીઓ ફસાયેલા છે.
સમયસરની ચેતવણીથી મોટી જાનહાનિ ટળી
જોકે, પૂરના પાણી ગામડાઓમાં પ્રવેશે તે પહેલા જ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સમયસર ચેતવણીઓ જારી કરવામાં આવી હતી, જેના કારણે લોકોને સુરક્ષિત રીતે ઊંચા વિસ્તારો તરફ ખસેડી શકાયા હતા. પરિણામે જાનહાનિ ઓછી થઈ છે, પરંતુ મિલકતોને ભારે નુકસાન પહોંચ્યું છે. નદીના માર્ગમાં આવતા રસ્તાઓ, ઘરો અને અનેક પુલ કાળજીપૂર્વક બનાવેલા માળખા સાથે ધોવાઈ ગયા છે. નેપાળ સેના અને સ્થાનિક બચાવ એજન્સીઓએ તાત્કાલિક મોરચો સંભાળીને અત્યાર સુધીમાં ૪૯ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે.
વસાહતો જળમગ્ન અને અચાનક પૂરનું કારણ
પૂરના કારણે ચુમલિંગ અને લોકપા જેવી ગ્રામીણ વસાહતો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, જેનાથી એક શાળા અને અનેક મકાનો ધરાશાયી થયા છે. જોકે પૂરનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે ઉપરના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે નદીનો પ્રવાહ રોકાઈ ગયો હતો અને બાદમાં ધસમસતો કાદવ અને પાણીનો પ્રવાહ એકસાથે આવતા આ સ્થિતિ સર્જાઈ હતી. ઉંગીલુંગ નદી કિનારે કામ કરી રહેલી બે મહિલાઓ અને ત્રણ પુરુષો સહિત કેટલાક ભરવાડો અને તેમના પશુઓ પણ પૂરમાં તણાઈ જતાં ગુમ થયા છે.
હાઇડ્રોપાવર પ્રોજેક્ટને નુકસાન અને તંત્રનું હાઇ એલર્ટ
આ કુદરતી હોનારતની સીધી અસર સલેરીમાં નિર્માણાધીન ૩૪૧ મેગાવોટના બુધી ગંડકી જળવિદ્યુત પ્રોજેક્ટ પર પડી છે. પૂરના પાણી પ્રોજેક્ટના બાંધકામ કેમ્પમાં ઘૂસી જતાં મોંઘા સાધનો અને મશીનરી તબાહ થઈ ગઈ છે. અરુઘાટ વિસ્તારમાં નદીનું જળસ્તર ભયજનક સપાટી ૫ મીટરથી વધીને ૮.૪ મીટર સુધી પહોંચી ગયું છે. વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને તંત્રે ધાડિંગ, તનહુન, ચિતવાન અને નાવલપરાસી જિલ્લાઓમાં એલર્ટ જારી કરીને લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અને ત્રિશુલી તથા નારાયણી નદીના કિનારે ન જવાની કડક સલાહ આપી છે.
આ પણ વાંચોઃ Sudan ની સોનાની ખાણ પર મિસાઇલ હુમલો, 72 લોકોનાં મોત