નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ આબોહવા પરિવર્તન અને ઐતિહાસિક જવાબદારીનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો છે. નેપાળ તરફથી આબોહવા સંકટથી પ્રભાવિત નબળા દેશોને વૈશ્વિક સહયોગ મળવો જોઈએ તેવી માંગ ઉઠ્યા બાદ હવે ભારતના વિદેશ મંત્રાલયે આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.
ક્લાઈમેટ ચેન્જ એક સહિયારો પડકાર
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે આબોહવા પરિવર્તન સમગ્ર વિશ્વ સામેનો એક સહિયારો પડકાર છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ મુદ્દે કોઈપણ પગલું ‘સહિયારી પરંતુ અલગ-અલગ જવાબદારીઓ અને સંબંધિત ક્ષમતાઓ’ના સિદ્ધાંત પર આધારિત હોવું જોઈએ.
ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન માટે વિકસિત દેશો જવાબદાર
ભારતે સ્પષ્ટ કર્યું કે જે વિકસિત દેશો ઐતિહાસિક રીતે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન માટે વધુ જવાબદાર રહ્યા છે અને જેમણે આબોહવા સંકટ વધારવામાં મોટો ફાળો આપ્યો છે, તેમણે જ અસરગ્રસ્ત વિકાસશીલ દેશોની મદદ માટે આગળ આવવું જોઈએ.
આબોહવા સંકટ સામે લડવામાં મદદ કરવી જોઈએ
ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે વિકસિત દેશોએ ઉત્સર્જનમાં ઘટાડો કરવા સાથે વિકાસશીલ દેશોને નાણાકીય સહાય અને ટેક્નોલોજી ટ્રાન્સફર દ્વારા આબોહવા સંકટ સામે લડવામાં મદદ કરવી જોઈએ.
નેપાળના નિવેદન બાદ સ્પષ્ટતા
નેપાળના વિદેશ મંત્રી દ્વારા અગાઉ કરવામાં આવેલા નિવેદનમાં વિશ્વના મોટા ઉત્સર્જક દેશો પાસેથી ઐતિહાસિક જવાબદારી સ્વીકારવાની વાત કરવામાં આવી હતી. જોકે, બાદમાં નેપાળ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે નેપાળ સરકાર કે મંત્રીએ ભારત, અમેરિકા અથવા ચીન પાસેથી ખાસ કરીને કોઈ વળતરની સત્તાવાર માંગ કરી નથી. નેપાળની અપીલ સમગ્ર વૈશ્વિક સમુદાય માટે હતી કે આબોહવા પરિવર્તનની ગંભીર અસરોને સમજવામાં આવે અને નબળા દેશોને લાંબા ગાળાનો સહયોગ આપવામાં આવે.
ફ્લેશ ફ્લડમાં 1200થી વધુના મોતનો દાવો
નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડમાં અત્યાર સુધીમાં 1200થી વધુ લોકોના મોત થયા હોવાનું જણાવાયું છે, જ્યારે હજારો લોકો લાપતા હોવાનું પણ સામે આવ્યું છે. આ દુર્ઘટનાએ નેપાળમાં ભારે તબાહી મચાવી છે.
ભારતે સહયોગ અને સમર્થનની ખાતરી આપી
ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ દુઃખદ ઘટનાના સમયમાં ભારતે નેપાળ સરકાર અને ત્યાંના લોકો પ્રત્યે એકતા અને સમર્થન વ્યક્ત કર્યું છે. નજીકના મિત્ર અને ભાગીદાર તરીકે ભારતે તાત્કાલિક પ્રતિસાદ આપ્યો હોવાનું જણાવાયું છે. ભારતે નેપાળમાં રાહત, પુનઃનિર્માણ અને રિકવરીના પ્રયાસોમાં આગળ પણ સહયોગ ચાલુ રાખવાની ખાતરી આપી છે.
આ પણ વાંચો : Janmashtami 2026 Live : દ્વારકા, ડાકોર, મથુરા-વૃંદાવનમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર, કાન્હાના જન્મની આતુરતાથી રાહ