PM નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક જૂના કિલ્લા ખાતે આયોજિત પ્રથમ SCO સભ્યતા સંવાદ મંચ (SCO Civilizational Dialogue Forum) ના ઉદ્ઘાટન સમારોહમાં વિશ્વને શાંતિ અને સહયોગનો અત્યંત મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. પાકિસ્તાનના ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણ સંકલન મંત્રી મુસાદિક મલિક સહિત સભ્ય દેશોના મંત્રીઓની હાજરીમાં સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, "સામ્રાજ્યોએ નકશા બદલ્યા, પણ સંવાદે દુનિયા બદલી નાખી."
યુદ્ધ અને અશાંતિના સમયમાં સાંસ્કૃતિક જોડાણ વૈશ્વિક શાંતિની સૌથી મજબૂત ગેરંટી
ભારત દ્વારા આયોજિત આ પ્રથમ સભ્યતા સંવાદ મંચમાં આવેલા તમામ મહેમાનોનું સ્વાગત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે જ્યારે વિશ્વ યુદ્ધ અને અશાંતિની ચર્ચાઓથી પ્રભાવિત છે, ત્યારે ભારતમાં સભ્યતા સંવાદ અને સાંસ્કૃતિક જોડાણની ચર્ચા થઈ રહી છે. સાંસ્કૃતિક જોડાણ એ વૈશ્વિક શાંતિની સૌથી મજબૂત ગેરંટી છે. આ ફોરમ માત્ર એક ઔપચારિક મંચ નથી, પરંતુ તે વિશ્વને નવો રસ્તો બતાવનારું પ્લેટફોર્મ બની શકે છે. નોંધનીય છે કે આ કાર્યક્રમમાં પાકિસ્તાની મંત્રી મુસાદિક મલિક પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે અગાઉ સિંધુ જળ સંધિ મુદ્દે ભારત વિરુદ્ધ તીખા નિવેદનો આપ્યા હતા.
પીએમ મોદીના સંબોધનના મુખ્ય મુદ્દાઓ
પીએમ મોદીએ યાદ અપાવ્યું કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) એ થોડા મહિના પહેલા તેની 25મી વર્ષગાંઠ ઉજવી હતી. સંગઠને સુરક્ષા, અર્થતંત્ર અને કનેક્ટિવિટી બાદ હવે સાંસ્કૃતિક અને સભ્યતાલક્ષી સહયોગથી સંબંધોને વધુ મજબૂત બનાવવા જોઈએ.
પ્રાચીન વેપાર અને સિંધુ ખીણની સભ્યતા
તેમણે કહ્યું કે લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં સિંધુ ખીણની સભ્યતા અને મેસોપોટેમિયા વચ્ચે વેપાર સંબંધો હતા. ભારત, ચીન, મધ્ય એશિયા અને યુરેશિયાના પ્રદેશો પ્રાચીન વેપાર નેટવર્ક દ્વારા જોડાયેલા હતા, જ્યાં વેપારીઓની સાથે વિદ્વાનો અને બૌદ્ધ સાધુઓની મુસાફરીએ વિચારો, ભાષાઓ અને પરંપરાઓનું આદાનપ્રદાન કર્યું.
જ્ઞાન હંમેશા પ્રકાશ ફેલાવે છે
21મી સદીની ટેકનોલોજીનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે જે મુસાફરીમાં અગાઉ મહિનાઓ લાગતા હતા, તે સંપર્ક હવે ડિજિટલ પ્લેટફોર્મથી સેકન્ડોમાં શક્ય બન્યો છે. જ્યારે જ્ઞાન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ત્યારે તેની અભિવ્યક્તિનું સ્વરૂપ બદલાય છે, પરંતુ તે હંમેશા પ્રકાશ ફેલાવે છે.
પ્રાચીન વારસાનું ડિજિટાઇઝેશન અને અનુવાદ
પીએમ મોદીએ SCO દેશોને તેમના સંગ્રહાલયો અને પુસ્તકાલયોમાં સચવાયેલી પ્રાચીન હસ્તપ્રતો, દુર્લભ ગ્રંથો અને કલાકૃતિઓના ડિજિટાઇઝેશન તેમજ અનુવાદમાં સહયોગ કરવા આહ્વાન કર્યું હતું, જેથી નવી પેઢી સહિયારા ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને વધુ સારી રીતે સમજી શકે.
આ પણ વાંચો: IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ સદી ફટકારીને કેએલ રાહુલે રચ્યો વિશ્વ રેકોર્ડ, SENA દેશોમાં ઓપનર તરીકે 7મી સદી પૂરી કરી