Tamil Nadu Government: તમિલનાડુ સરકારે રાજ્યમાં દારૂની હોલસેલ અને રિટેલ વેચાણ કરતી સરકારી કોર્પોરેશન ‘TASMAC’ના કર્મચારીઓ માટે મોટો નિર્ણય લીધો છે. તમામ દુકાનો પર એકસરખો અને પ્રોફેશનલ લુક રાખવા માટે તમામ કર્મચારીઓ માટે નક્કી કરેલી યુનિફોર્મ પહેરવી ફરજિયાત કરવામાં આવી છે. આ નિયમ 15 નવેમ્બરથી લાગુ કરવામાં આવશે. સરકારે દરેક કર્મચારી માટે વાર્ષિક ₹6,000નું યુનિફોર્મ અલાઉન્સ પણ મંજૂર કર્યું છે, જેથી તેઓ ત્રણ સેટ કપડાં તૈયાર કરાવી શકશે.
બધા કર્મચારીઓ માટે અલગ-અલગ ડ્રેસ કોડ નક્કી
જે કર્મચારીઓએ સરકાર પાસેથી યુનિફોર્મ માટે ₹6,000 લઈ લીધા છે, પરંતુ તેમ છતાં કોઈ યોગ્ય કારણ વગર ડ્રેસ ખરીદી નથી અથવા પહેરી નથી, તેમની પાસેથી આ પૈસા પરત લેવામાં આવશે. રાજ્યની 4,048 રિટેલ દુકાનોમાં કામ કરતા તમામ 22,877 કર્મચારીઓએ આ નિયમનું પાલન કરવું પડશે. નવેમ્બર મહિનાના મધ્યથી અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવશે. અલાઉન્સ લીધા બાદ પણ કોઈ યોગ્ય કારણ વગર યુનિફોર્મ નહીં પહેરનાર કર્મચારીઓ પાસેથી પૈસાની વસૂલાત કરવામાં આવશે અને શિસ્તભંગની કાર્યવાહી પણ કરવામાં આવશે.
સુપરવાઈઝર અને સેલ્સમેન માટે અલગ ડ્રેસ
સુપરવાઈઝર હળવા વાદળી રંગની શર્ટ અને નેવી બ્લુ ટ્રાઉઝર પહેરશે. જ્યારે સેલ્સમેન બેજ રંગની શર્ટ અને ડાર્ક ગ્રે ટ્રાઉઝરમાં જોવા મળશે. તમામ શર્ટ પર ડાબી બાજુ છાતી પર TASMACનો લોગો લગાવવો ફરજિયાત રહેશે. કર્મચારીઓએ મંજૂર કરેલું કાપડ 31 ઓક્ટોબર, 2026 સુધી સરકારી ‘Co-Optex’ આઉટલેટ પરથી ખરીદવાનું રહેશે અને સિલાઈનું કામ 10 નવેમ્બર, 2026 સુધી પૂર્ણ કરવાનું રહેશે.
સિનિયર અધિકારીએ શું કહ્યું?
TASMACના એક સિનિયર અધિકારીએ કહ્યું, “દુકાનના સુપરવાઈઝર નેવી બ્લુ ટ્રાઉઝર સાથે હળવા વાદળી રંગની શર્ટ પહેરશે, જ્યારે સેલ્સમેન અને આસિસ્ટન્ટ સેલ્સમેન ડાર્ક ગ્રે ટ્રાઉઝર સાથે બેજ રંગની શર્ટ પહેરશે.” તેમણે કહ્યું, “તમામ શર્ટ પર ડાબી બાજુ છાતી પર TASMACનો લોગો હોવો જોઈએ અને તેને ટક-ઇન (અંદર દબાવીને) અથવા ટક-આઉટ (બહાર રાખીને) કરીને પહેરી શકાય છે.”
આ પણ વાંચો: સરકારી સ્કૂલોમાં લંચમાં મળશે ચિકન બિરયાની! થલાપતિ વિજય સરકારની મોટી તૈયારી