કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સહ-સંયોજક સૌરભ દાસના પાસપોર્ટને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. સૌરભ દાસનો પાસપોર્ટ સોશિયલ મીડિયા પર લીક થતાં નવો વિવાદ ઊભો થયો છે.
પાસપોર્ટની તસવીરો વાયરલ થયા બાદ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ તેમાં પિતાનું નામ ન હોવાને લઈને તેમને ટ્રોલ કરી રહ્યા છે. બીજી તરફ, સૌરભ દાસે પાસપોર્ટ લીક કરનારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ સામે ફોજદારી ફરિયાદ નોંધાવવાની ચીમકી આપી છે. જોકે, પાસપોર્ટના નિયમો મુજબ સિંગલ પેરેન્ટના કિસ્સામાં માતા અથવા પિતામાંથી કોઈ એકનું નામ આપીને પાસપોર્ટ મેળવી શકાય છે.
લંડન જતા અટકાવાયા બાદ શરૂ થયો હતો વિવાદ
આ સમગ્ર વિવાદની શરૂઆત સોમવારે મધરાતે થઈ હતી. સૌરભ દાસે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
તેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમનો પાસપોર્ટ ફ્લેગ કરવામાં આવ્યો હોવાથી તેમને લંડન જતી ફ્લાઇટમાં મુસાફરી કરતા અટકાવવામાં આવ્યા હતા. તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ મામલે વિદેશ મંત્રાલયના નિવેદન બાદ સામે આવ્યું હતું કે પાસપોર્ટમાં જન્મસ્થળ સંબંધિત કેટલીક વિસંગતતાઓ જણાતાં સોમવારે સાંજે જ તેમને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. નિયમ મુજબ, આ મામલાનો નિકાલ ન આવે ત્યાં સુધી તેઓ પાસપોર્ટનો ઉપયોગ કરી શકશે નહીં. આ દરમિયાન સૌરભ દાસે દિલ્હી હાઈકોર્ટનો પણ સંપર્ક કર્યો હતો.
પાસપોર્ટ લીક થતાં પિતાના નામને લઈને ટ્રોલિંગ
બુધવારે સોશિયલ મીડિયા પર સૌરભ દાસના પાસપોર્ટની નકલ લીક થતાં વિવાદે વધુ વેગ પકડ્યો હતો. વર્ષ 2021માં જારી થયેલા આ પાસપોર્ટમાં તેમણે માતાનું નામ દર્શાવ્યું છે, જ્યારે પિતાના નામનો કોલમ ખાલી રાખવામાં આવ્યો છે.
આ મુદ્દાને લઈને સોશિયલ મીડિયા પર તેમની ટીકા થઈ રહી છે. જોકે, પાસપોર્ટના નિયમો અનુસાર સિંગલ પેરેન્ટના કિસ્સામાં માતા અથવા પિતામાંથી કોઈ એકનું નામ આપવાની જોગવાઈ છે. તેથી માત્ર પિતાનું નામ ન હોવું એ પાસપોર્ટમાં ગેરરીતિ હોવાનું સાબિત કરતું નથી.
CJP નેતાની કાનૂની કાર્યવાહીની ચીમકી
સૌરભ દાસે આરોપ લગાવ્યો છે કે ભાજપ તરફ ઝુકાવ ધરાવતા કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા તેમનો પાસપોર્ટ લીક કરવામાં આવ્યો છે. તેમણે વિદેશ મંત્રાલયને પણ સવાલ કર્યો છે કે તેમનો અંગત પાસપોર્ટ સોશિયલ મીડિયા સુધી કેવી રીતે પહોંચ્યો?
આ ઉપરાંત, અગાઉ તેમના રહેણાકનું સરનામું પણ લીક કરવામાં આવ્યું હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. દાસે સ્પષ્ટ કર્યું છે કે પાસપોર્ટ લીક કરનારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ સામે ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવશે.
વિદેશ મંત્રાલયે શું કહ્યું?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે બુધવારે જણાવ્યું હતું કે ચેન્નાઈ સ્થિત પ્રાદેશિક પાસપોર્ટ કચેરી (RPO) દ્વારા સૌરભ દાસને જન્મસ્થળ સંબંધિત વિસંગતતાઓ અંગે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. તેમને સાત દિવસની અંદર પોતાનો જવાબ રજૂ કરવા જણાવાયું છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, પાસપોર્ટ અરજી કરતી વખતે અરજદારે સાચી માહિતી આપવાની ખાતરી આપવી પડે છે. જો તપાસ દરમિયાન કોઈ વિસંગતતા અથવા હકીકત છુપાવવાનો મામલો સામે આવે તો સંબંધિત વ્યક્તિને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવા માટે કારણદર્શક નોટિસ આપવામાં આવે છે.
આ પણ વાંચો:EL Nino અને દુષ્કાળના પડકારો પર ખેડૂતોનો ભારે જુસ્સો ! 5 વર્ષના સરેરાશ કરતાં 97.67 લાખ ટન વધુ ઉત્પાદન – શિવરાજસિંહ ચૌહાણ