કાળઝાળ ગરમી પડી રહી છે. અત્યારે એસી વિના તો રહેવુ જાણે અશક્ય જ લાગે. પરંતુ એસીનો વધુ પડતો વપરાશ પણ જોખમી છે. કોણ જાણે ક્યારે એસીમાં બ્લાસ્ટ થાય. જી, હા એસીમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓ વધી રહી છે. આવી જ એક ઘટના બની નોઇડામાં. અહીં સેક્ટર 119માં આવેલી અરણ્ય સોસાયટીમાં એક ફ્લેટના 22માં માળે ભીષણ આગ ફાટી નીકળી હતી.
બહુમાળી ઇમારતમાં એસીમાં બ્લાસ્ટ
નોઈડાના સેક્ટર 119 માં એક બહુમાળી ઇમારતમાં આગ લાગી છે. આગનું કારણ એસી બ્લાસ્ટ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના નોઈડા સેક્ટર 119 માં આવેલી અરણ્ય સોસાયટીમાં બની હતી. સોસાયટીના એક ટાવરના 22મા માળે આવેલા ફ્લેટમાં આગ લાગી હતી.
આગ ઓલવવા તપાસ તેજ
અહેવાલો અનુસાર સોમવારે સવારે સેક્ટર 119માં અરણ્ય સોસાયટીના એક ટાવરમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. થોડીવારમાં જ ધુમાડો ભીષણ આગમાં ફેરવાઈ ગયો. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી અને આગને કાબુમાં લેવા માટે પોતાના પ્રયાસો શરૂ કર્યા.
આસપાસના ફ્લેટ ખાલી કરાયા
આગ ઝડપથી બાજુના ફ્લેટમાં ફેલાઈ ગઈ. રહેવાસીઓએ આસપાસના લોકોને તેમના ફ્લેટ ખાલી કરવા વિનંતી કરી. ચેતવણી મળતાં, છ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચ્યા. ફાયર ફાઇટરોએ ભારે પ્રયાસો પછી ભીષણ આગને કાબુમાં લેવામાં સફળતા મેળવી. આગ ૨૨મા માળે લાગી હોવાથી, ફાયર ફાઇટિંગ ટીમને તેને કાબુમાં લેવામાં મોટા પડકારોનો સામનો કરવો પડ્યો.
ફાયર વિભાગના અધિકારીએ શું કહ્યું?
ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે આગ એર કન્ડીશનરમાં ટેકનિકલ ખામી કે શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. જોકે, આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. ફ્લેટને થયેલા નુકસાનનું પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
ચીફ ફાયર ઓફિસર પ્રદીપ ચૌબેએ જણાવ્યું હતું કે સેક્ટર 119 અરણ્ય સોસાયટીમાં એક ફ્લેટમાં આગ લાગી હોવાનો અહેવાલ મળ્યો હતો. ફાયર ફાઇટીંગ ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. આગ પર સમયસર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. કોઈ જાનહાનિના અહેવાલ નથી. પ્રાથમિક તપાસમાં એસીમાં ટેકનિકલ ખામી કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું સંભવિત કારણ જણાવાયું છે. વિગતવાર તપાસ બાદ જ આગ લાગવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?