ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ ઝડપથી વિકસતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને વધુ એક મોટી સિદ્ધિ મળવા જઈ રહી છે. રાજ્યની મહત્ત્વાકાંક્ષી યોજના નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 15 જૂનથી વ્યાવસાયિક ફ્લાઈટ સેવાઓનો સત્તાવાર પ્રારંભ થશે. આ ઐતિહાસિક પ્રસંગે ઈન્ડિગો એરલાઈન્સ પ્રથમ લોન્ચ કેરિયર તરીકે ઉદ્ઘાટન ફ્લાઈટ્સનું સંચાલન કરશે.
ઉદ્ઘાટન ફ્લાઇટ્સનું સમયપત્રક
જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ પ્રથમ ઉદ્ઘાટન ફ્લાઈટ 6E-2278 સવારે 7:05 વાગ્યે લખનઉંથી ઉડાન ભરી સવારે 8:05 વાગ્યે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચશે. ત્યારબાદ આ જ વિમાન સવારે 8:35 વાગ્યે નોઈડાથી બેંગલુરૂ માટે રવાના થશે અને 11:05 વાગ્યે ત્યાં પહોંચશે. વાપસી દરમિયાન ફ્લાઇટ 6E-2279 બપોરે 3:45 વાગ્યે બેંગલુરુથી ઉડાન ભરી સાંજે 6:20 વાગ્યે નોઈડા પહોંચશે. ત્યારબાદ સાંજે 6:55 વાગ્યે નોઈડાથી લખનૌ માટે રવાના થઈ રાત્રે 8:00 વાગ્યે પહોંચશે.
ઉત્તર પ્રદેશ માટે નવું એવિએશન હબ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કલ્પના મુજબ વિકસાવવામાં આવેલ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પશ્ચિમ ઉત્તર પ્રદેશ, દિલ્હી-એનસીઆર અને આસપાસના રાજ્યો માટે મહત્વપૂર્ણ એવિએશન અને લોજિસ્ટિક્સ હબ તરીકે ઉભરી આવશે. ઈન્ડિગોએ જાહેરાત કરી છે કે આગામી તબક્કામાં આ એરપોર્ટને દેશના 16થી વધુ મુખ્ય શહેરો સાથે જોડવામાં આવશે.
ઉત્તર પ્રદેશની નવી ઓળખ બનશે જેવર એરપોર્ટ
જેવર એરપોર્ટ માત્ર એક એરપોર્ટ નથી, પરંતુ ઉત્તર પ્રદેશના બદલાતા આર્થિક અને ઔદ્યોગિક વિકાસનું પ્રતિક માનવામાં આવે છે. એક્સપ્રેસ-વે, મેટ્રો, ડિફેન્સ કોરિડોર, ડેટા સેન્ટર અને ઔદ્યોગિક રોકાણોની શ્રેણીમાં આ પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ કડી સાબિત થશે. આ એરપોર્ટ રાજ્યને દેશના અગ્રણી એવિએશન, વેપાર અને લોજિસ્ટિક્સ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને પ્રદેશના આર્થિક વિકાસને નવી ગતિ આપશે.
આ પણ વાંચો : Memory Chip પ્લાન્ટસમાં રોકાણ કરવા માટે કંપનીઓ તૈયાર, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યા સંકેત