રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) હેઠળ આવતા નોઈડામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નોઈડાની અંદાજે 12 જેટલી પ્રતિષ્ઠિત શાળાઓને ફરી એકવાર ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળી છે. આ ધમકીભર્યા સંદેશાઓ મળતાની સાથે જ શાળા વહીવટીતંત્ર અને વાલીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે શાળાઓમાં રહેલા બાળકોને સુરક્ષિત રીતે તેમના ઘરે પરત મોકલી દેવામાં આવ્યા છે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય.

ઈમેલ મળતા જ પોલીસ અને બોમ્બ સ્ક્વોડ સક્રિય

ગૌતમ બુદ્ધ નગર પોલીસના જણાવ્યા અનુસાર, 12 ઓક્ટોબરના રોજ નોઈડાની મુખ્ય શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી અંગેની માહિતી મળી હતી. સેક્ટર ૧૬ માં આવેલી જાણીતી શાળાઓ જેમ કે APJ સ્કૂલ, સ્ટેપ બાય સ્ટેપ સ્કૂલ અને DPS (દિલ્હી પબ્લિક સ્કૂલ) સહિત કુલ ૧૨ શાળાઓને આ ધમકી આપવામાં આવી છે. માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનોનો કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (Bomb Squad), ડોગ સ્ક્વોડ અને એન્ટી-સેબોટેજ (તોડફોડ વિરોધી) ટીમો તાત્કાલિક ધમકી પામેલી શાળાઓમાં પહોંચી ગઈ હતી. આ ઉપરાંત ફાયર બ્રિગેડની ગાડીઓને પણ સુરક્ષાના ભાગરૂપે તૈનાત કરવામાં આવી છે.

સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધી કંઈ શંકાસ્પદ મળ્યું નથી

નોઈડાના એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અભય કુમાર મિશ્રાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે તમામ શાળાઓના પરિસરમાં અત્યારે સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓએ ખૂણે-ખૂણે તપાસ કરી છે, પરંતુ અત્યાર સુધીની તપાસમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી. પોલીસ અને સુરક્ષા દળો સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

સાયબર ટીમ દ્વારા ઈમેલ મોકલનારની તપાસ શરૂ

આ ધમકીભર્યા ઈમેલ ક્યાંથી અને કોણે મોકલ્યા છે તે શોધી કાઢવા માટે નોઈડા પોલીસની સાયબર ક્રાઈમ ટીમ સક્રિય થઈ ગઈ છે. ટેકનિકલ સોર્સની મદદથી ઈમેલના આઈપી એડ્રેસ અને મોકલનારની ઓળખ સ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહી છે. વાલીઓ અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ આ તો કેજરીવાલનો પણ બાપ નીકળ્યો...CJP નેતા આશુતોષ રંકા પર મનોજ તિવારીએ લગાવ્યા જુઠ્ઠાણાનો આરોપ