ભારતે બંગાળની ખાડી વિસ્તારમાં NOTAM (Notice to Airmen) જાહેર કર્યું છે, જેના આધારે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટૂંક સમયમાં લાંબા અંતરની મિસાઈલનું પરીક્ષણ થઈ શકે છે. રક્ષા નિષ્ણાતોનું માનવું છે કે આ દરમિયાન અગ્નિ-4 મિસાઈલનું ટેસ્ટિંગ થઈ શકે છે, જે ભારતની વ્યૂહાત્મક શક્તિનો મહત્વપૂર્ણ હિસ્સો છે.

મિસાઈલની મારક ક્ષમતા અંદાજે 3500થી 4000 કિલોમીટર સુધીની

આ ચેતવણી 25 એપ્રિલથી 6 મે 2026 સુધી માટે જાહેર કરવામાં આવી છે, જેમાં વિશાળ વિસ્તારને 'જોખમભર્યા વિસ્તાર' તરીકે જાહેર કરાયો છે. તેનો હેતુ વિમાનો અને જહાજોને પૂર્વચેતવણી આપવાનો છે, જેથી પરીક્ષણ દરમિયાન કોઈ જોખમ ઊભું ન થાય. અગ્નિ-4 મિસાઈલ ભારતની ઈન્ટરમિડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ (IRBM) છે, જેની મારક ક્ષમતા અંદાજે 3500થી 4000 કિલોમીટર સુધી છે. આ મિસાઈલ સોલિડ ફ્યુઅલ પર આધારિત છે અને ખૂબ જ ચોક્કસ નિશાન લગાવવાની ક્ષમતા ધરાવે છે. ખાસ વાત એ છે કે તેને રોડ અને રેલ બંને પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકાય છે, જે તેની તૈનાતી અને સુરક્ષાને વધુ મજબૂત બનાવે છે.

ભારત સતત પોતાની રક્ષા ક્ષમતાઓને આધુનિક બનાવી રહ્યું છે

આ સંભવિત પરીક્ષણ એ સમયે થઈ રહ્યું છે જ્યારે ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ પણ નજીક છે. જો કે આ બંને વચ્ચે સત્તાવાર રીતે કોઈ સંબંધ દર્શાવવામાં આવ્યો નથી, છતાં નિષ્ણાતો તેને એક મજબૂત વ્યૂહાત્મક સંદેશ તરીકે જોતા હોય છે. ભારત સતત પોતાની રક્ષા ક્ષમતાઓને આધુનિક બનાવી રહ્યું છે. અગ્નિ શ્રેણી ઉપરાંત બ્રહ્મોસ જેવી અદ્યતન મિસાઈલોનું પરીક્ષણ પણ સતત ચાલુ છે, જે દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ સશક્ત બનાવે છે.

આ પણ વાંચો : West Bengalમાં ભાજપની પ્રચંડ જીત અંગે પાકિસ્તાનમાં શું થઈ ચર્ચા