Vande Mataram: સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન 'વંદે માતરમ' ના કથિત અપમાનને લઈને ઓડિશામાં રાજકીય વિવાદમાં વધારો થયો છે. ભારતીય જનતા યુવા મોરચા (BJYM) ના ઓડિશા એકમે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. એક અહેવાલ મુજબ, ઓડિશા ભાજપ યુવા મોરચાના રાજ્ય પ્રમુખ અભિલાષ પાંડાએ રવિવારે જણાવ્યું હતું કે પાર્ટીએ રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' ના કથિત અપમાન અને તેના ગાનમાં અવરોધ લાવવા બદલ કોંગ્રેસના ત્રણ નેતાઓ સામે કાર્યવાહીની માંગ કરી છે.
પાંડાએ આરોપ લગાવ્યો હતો કે, વંદે માતરમ'નું અપમાન કરવું અને તેના ગાનમાં અવરોધ ઊભો કરવો એ સજાપાત્ર ગુનો છે. તેથી અમે પોલીસ પાસેથી યોગ્ય કાનૂની કાર્યવાહીની માંગ કરી છે."
કોંગ્રેસે આરોપોને ફગાવી દીધા
આ દરમિયાન કોંગ્રેસે ભાજપના આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. પાર્ટીનું કહેવું છે કે 'વંદે માતરમ' ના સંપૂર્ણ ગાનને રોકવાનો કોઈ પ્રયાસ થયો નથી. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, કાર્યક્રમ દરમિયાન, સોનિયા ગાંધી ફક્ત મલ્લિકાર્જુન ખડગે માટે ખુરશી લાવવાનો ઈશારો કરી રહ્યા હતા, કારણ કે તેઓ લાંબા સમયથી ઉભા હતા. પાર્ટીએ જણાવ્યું હતું કે આ ઘટનાને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે.
કોંગ્રેસ ભવન તરફ મૌન કૂચ
આ વિવાદ વચ્ચે, ભાજપની ભુવનેશ્વર જિલ્લા એકમના કાર્યકરોએ રાજ્ય પાર્ટી કાર્યાલયથી માસ્ટર કેન્ટીન સ્ક્વેર ખાતે કોંગ્રેસ ભવન સુધી મૌન કૂચ કાઢી. ભાજપના કાર્યકરોએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નેતાઓના વર્તનથી દેશભરના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે અને આ મામલે જવાબદારી નક્કી થવી જોઈએ.
'ઇતિહાસ કોઈને માફ કરતો નથી'
નોંધનીય છે કે, ભાજપના ધારાસભ્ય અને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના વંશજ સુમિત્રો ચેટર્જીએ કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે 15 ઓગસ્ટના રોજ કોંગ્રેસ મુખ્યાલયમાં પાર્ટીના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન 'વંદે માતરમ' સાથે સંકળાયેલી કથિત ઘટના અંગે સોનિયા ગાંધી પાસેથી બિનશરતી માફી માંગવાની માંગ કરી છે. સુમિત્રો ચેટર્જીએ આરોપ લગાવ્યો કે કાર્યક્રમ દરમિયાન અગવડતા હતી અને 'વંદે માતરમ'ના સંપૂર્ણ સંસ્કરણનું ગાન રોકવાના વારંવાર પ્રયાસો કરવામાં આવ્યા હતા. એક અહેવાલ મુજબ, તેમણે આ કથિત ઘટનાને માત્ર દુર્ભાગ્યપૂર્ણ જ નહીં, પરંતુ ઐતિહાસિક ભૂલનું બેશરમ પુનરાવર્તન ગણાવ્યું.
આ પણ વાંચો: Baba Ramdev: હિન્દુ-મુસલમાન નહીં પણ દેશનું બાળપણ ખતરામાં... વિદ્યાર્થી પ્રદર્શન પર ભડક્યા બાબા રામદેવ